”ખબરની ધાર પાછળ તો કલમની તલવાર બોલે છે,
શાસકો ધ્રૂજે છે જ્યારે અખબાર સત્ય બોલે છે.
ન જોશો તમે આ કાગળને કદીયે મામૂલી તોલે,
થાય વજન એનું વજ્ર તણું જ્યારે ‘લાલ આંખથી ત્યારે સલ્તનતોના તખ્ત પણ ડોલે છે.”
–“પાંધીસર”
સૌ પ્રથમ, વાચકોની ક્ષમા ચાહું છું કે અખબાર દિવસ (૨૯ જાન્યુઆરી) નિમિત્તે આ લેખ સમયસર રજૂ કરવો જોઈએ, પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે તે શક્ય ન બન્યું. એક અખબારી પ્રહરી તરીકે હું આપની જાહેર માફી માંગું છું.
દર વર્ષે ૨૯ જાન્યુઆરીને ‘ભારતીય અખબાર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ૧૭૮૦માં જેમ્સ ઓગસ્ટસ હિકી દ્વારા ભારતના પ્રથમ અખબાર, ‘ધ બંગાળ ગેઝેટ’ ના પ્રકાશનની યાદમાં ઉજવાય છે. હિકીઝ ગેઝેટથી શરૂ થયેલી આ સફરે ભારતમાં પત્રકારત્વનો પાયો નાખ્યો.
સ્વતંત્રતા સંગ્રામમાં અખબારોએ શસ્ત્ર જેવું કામ કર્યું હતું. બાલ ગંગાધર તિલક જેવા મહાનુભાવોના નેતૃત્વમાં અમૃત બજાર પત્રિકા, ધ હિન્દુ અને કેસરી જેવા પ્રકાશનોએ જનતાને બ્રિટિશ શાસન સામે એકત્ર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
આજે ભારતીય પ્રેસ વિશ્વના સૌથી મોટા અને વૈવિધ્યસભર માધ્યમોમાંનું એક છે. સ્વતંત્રતા પછી પણ અખબારોએ સરકારના ચોકીદાર બનીને પારદર્શિતા અને જવાબદારીની હિમાયત કરી છે. ડિજિટલ યુગના આ યુગમાં જ્યારે સનસનાટીભર્યા અને નકલી સમાચાર (Fake News) નો વ્યાપ વધ્યો છે, ત્યારે અખબારો નિષ્પક્ષ અને તથ્ય-આધારિત અહેવાલો પૂરા પાડવાનું પવિત્ર કાર્ય કરી રહ્યા છે.
અમરેલી જિલ્લાની વાત કરીએ તો, અહીંના સ્થાનિક અખબારો અને ડિજિટલ ન્યૂઝ પોર્ટલ્સ જિલ્લાની ‘આરસી’ (અરીસો) સમાન છે.જેમાં અમરેલી એક્સપ્રેસ, અવધ ટાઈમ્સ, સંજોગ ન્યૂઝ, આગમન, દિવ્ય પ્રકાશ.તેમજ આપડું કુંડલા, સિટી ન્યૂઝ, અમરેલી મેટ્રો.જેવા ડીઝીટલ માધ્યમો દેશ-દુનિયાને જિલ્લાના સુખ-દુઃખથી પરિચિત કરાવે છે. લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને વાચા આપવાનું કામ આ માધ્યમો કરી રહ્યા છે.
અખબારી અહેવાલો માત્ર સમાચાર નથી, પણ સમસ્યાઓના નિરાકરણનું સાધન છે. પછી તે
અનામત આંદોલન હોય કે મોંઘવારીનો ભસ્માસૂર.
હીરા ઉદ્યોગની મંદી કે કૃષિલક્ષી સમસ્યાઓ.
વીજળી, પાણી કે સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાની વાત હોય.
વહીવટીતંત્ર જ્યારે અન્યાયી વર્તન કરે ત્યારે મીડિયા પ્રહરી બનીને તેને રોકે છે. પાયલ ગોટી કે નવનીતભાઈ બાળધિયા પર થયેલા હુમલા જેવા કિસ્સામાં સત્યને બહાર લાવવામાં અને પ્રશાસનને જગાડવામાં મીડિયાની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. હમણાં જ યોજાયેલા મહાકુંભમાં જ્યારે ૧૦ કરોડથી વધુ ભાવિકો ઉમટી પડ્યા, ત્યારે વ્યવસ્થા જાળવવામાં અને માહિતી પ્રસાર કરવામાં પણ મીડિયાનો મોટો ફાળો રહ્યો છે.
અખબારો એ માત્ર કાગળના ટુકડા નથી, પણ લોકશાહીના ધબકારા છે. આજના દિવસે આપણે પત્રકારત્વની શુદ્ધતા અને સ્વાયત્તતા જાળવી રાખવાનો સંકલ્પ કરીએ.


















Recent Comments