શિક્ષણનું સત્ય, સાહિત્યનો પ્રેમ અને સેવાની કરુણા એમ શિક્ષણ, સાહિત્ય અને સંગીતનું સાયુજ્ય સાધીને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા દ્વારા છેલ્લા પંદર વર્ષથી પ્રતિ વર્ષ સાહિત્ય – શિક્ષણ અને સંગીત સન્માન પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે પર્વ પૂર્ણિમા પર્વની ઉજવણીનો પ. પૂ. મોરારિબાપુના આશીર્વાદ સાથે પ્રારંભ થયો.
સૂરોની અમિરી ધરાવતા આમીર ઓસમાણ મીરે દેવી સ્તુતિનું ગાન કરીને કાર્યક્રમનો ઉઘાડ કર્યો. તેમના સ્વરે ઉપસ્થિત તમામ શ્રોતા અને દર્શકોના મન મોહી લીધા.
લેખક અને કેળવણીકાર ડો.ભદ્રાયુ વચ્છરાજાની દ્વારા એવોર્ડ મેળવતા સર્જકો અને મહાનુભાવોનો સુંદર પરિચય આપ્યો. સન્માન પર્વ અંતર્ગત દર્શક એવોર્ડથી શ્રી સુભાષ ભટ્ટ, શિક્ષણ સન્માન એવોર્ડથી શિશુવિહાર – ભાવનગર, પન્ના નાયક નારીશક્તિ પારિતોષિકથી શ્રી નેહલ ગઢવી, રાવજી પટેલ એવોર્ડથી શૌનક જોષી (સાહિત્ય) આમિર મીર (સંગીત) અને ઉમાશંકર જોશી વિશ્વગુર્જરી એવોર્ડથી એકત્ર ફાઉન્ડેશનને સન્માનિત કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના તબીબોની પણ તેના સેવાકીય અભિગમને લક્ષમાં રાખીને ડો. નિકુંજ ગોંડલીયા, ડો. મૃગેશભાઈ પટેલ, ડો.ભુપેન્દ્ર રાજપુરા (અમેરિકા)નું પણ સન્માન કરવામાં આવ્યું. શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સર્જનાત્મક પારિતોષિકથી નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. સંસ્થાના પ્રમુખ હરેશભાઈ મહેતાએ કરુણા વિશે વાત કરીને હોસ્પિટલમાં દર્દીઓ માટે દૂધ વિતરણની નિઃશુલ્ક સેવા આપતા સ્થાનિક માલધારી દુધ મંડળીના નાના ટાબરિયા સમેતની ટીમને બિરદાવી તેનું પ. પૂ. મોરારિબાપુના આશીર્વાદ સાથે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
પરમ પૂજ્ય મોરારિબાપુએ તેમના આશીર્વચનમાં સંસ્થાની સેવાને આશીર્વાદ આપી સેવામાં સ્પર્ધા નહીં, પરંતુ શ્રધ્ધા જોઈએ તેમ પંચ સૂત્રો સાથે સંસ્થાના કાર્યને બિરદાવ્યું અને આવતા વર્ષે ફરી પર્વની પ્રતીક્ષા કરીશ તેવો ઉમળકો વ્યક્ત કર્યો.સમગ્ર કાર્યક્રમને સફળ સંચાલન પ્રણવ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પૂજ્ય ભક્તિરામ બાપુ, ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, મનુભાઈ ગાંધી, અજમેરા પરિવાર, કુંડલા ગ્રામ સેવા મંડળના હિંમતભાઈ ગોડા, રાજેન્દ્રભાઈ ખીમાણી, પ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીર, છેલભાઈ વ્યાસ, ઘેલાણી પરિવાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.


















Recent Comments