રાષ્ટ્રીય

રામકથા એ વાર્તા કે ઈતિહાસ નહી, રહસ્યો ખોલનાર શાસ્ત્ર છે

જબલપુરમાં ઓશો જન્મોત્સવ પ્રસંગે રામકથામાં શ્રી મોરારિબાપુ દ્વારા સનાતન શાસ્ત્ર મહિમા સાથે મોજ ભર્યો સંવાદ લાભ મળી રહ્યો છે. આજની કથામાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, રામકથા એ વાર્તા કે ઈતિહાસ નહી, રહસ્યો ખોલનાર શાસ્ત્ર છે.

મધ્યપ્રદેશમાં ઓશો સ્થાન જબલપુરમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ ગાન થઈ રહેલ છે. અહીંયા શ્રી મોરારિબાપુ દ્વારા સનાતન શાસ્ત્ર મહિમા સાથે મોજ ભર્યો સંવાદ લાભ મળી રહ્યો છે.

ઓશો જન્મોત્સવ પ્રસંગે ગત શનિવારથી પ્રારંભ થયેલ આ રામકથામાં ‘ સુંદર સુજાન કૃપાનિધાન અનાથ પર કર પ્રિતી જો…’ ચોપાઈ પંક્તિ કેન્દ્રમાં રાખી શ્રી મોરારિબાપુ દ્વારા ઓશો સ્મરણ પ્રસંગો અને ચિંતન સાથે સનાતન ભાવ અર્થો માણવા મળી રહ્યાં છે. આજની ચોથા દિવસની કથામાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, રામકથા એ વાર્તા કે ઈતિહાસ નહી, રહસ્યો ખોલનાર શાસ્ત્ર છે. ‘હરિ અનંત, હરિ ક્થા અનંતા’ ઉલ્લેખ સાથે કહ્યું કે, રામકથાથી વિશ્રામ મળે છે, બાકીનાંમાં તો શ્રમ જ મળે છે.

‘માનસ પરમ વિશ્રામ’ ગાન કરતાં શ્રી મોરારિબાપુએ ક્થા પ્રારંભે હળવી ટકોર કરી કે, રામના સૌંદર્યને પામવું હોય તો સાધકની પણ એટલે કે આપણી સુંદરતા અનિવાર્ય છે. શ્રી મોરારિબાપુએ વિનમ્રભાવે સહજ રીતે કથા મહિમા સંદર્ભે પોતાની વાત કરી કહ્યું કે, ક્થા ન કરું ત્યારે થાક લાગે છે, કથાગાન મને વિશ્રામ આપે છે.

ભાવિક શ્રોતાઓને કથા દરમિયાન ઊંડાણ ભર્યા આધ્યાત્મિક સનાતન ચિંતન પણ ખૂબ જ હળવી રીતે કરીને ઓશો પ્રેમીઓને ખૂબ ખડખડાટ કેવળ હસવા માટે પ્રેર્યા અને સૌને ભારે મોજ કરાવી.

Related Posts