પ્રાકૃતિક ખેતી કરતા એક ખેડૂત ખાદ્યતેલની મોટી મોટી બ્રાન્ડ કરતાં પણ ઉંચા ભાવે સીંગતેલના ડબ્બાનું વેચાણ કરી રહ્યા છે, આ કમાલ છે પ્રાકૃતિક ખેતીની. વાત છે, અમરેલીના નાના આંકડીયા ગામના ખેડૂતની. છેલ્લા આઠેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા શ્રી કેતનભાઇ ખોયાણીસ્પષ્ટપણે માને છે કે, પ્રાકૃતિક ખેતી +ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન એટલે નફો જ નફો.
શ્રી કેતનભાઇ ખોયાણી વારસાગત નવેક વીઘા અને બીજી ૧૨ વીઘા જમીન ભાડે રાખીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેમાં વિશેષ કરીને મગફળી અને મરચાંની પ્રાકૃતિકખેતી કરે છે. લોકોને શુદ્ધ અને પ્રાકૃતિક આપવું તે તેમની પ્રતિબદ્ધતા છે. તેના જ પરિણામે સામાન્ય લોકોથી માંડી ડોક્ટર, વકીલ, એન્જિનિયર, વિવિધ હોદ્દા પર ફરજ બજાવતા નોકરિયાત સહિતના તેમના ગ્રાહકો છે.
ગુણવત્તાની ગેરંટી સાથે સીંગતેલ અને મરચાના પાવડરનું વેચાણ કરતા શ્રી કેતનભાઇ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ સારી કમાણી કરવા માટે ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન ખૂબ જરુરી છે. વેલ્યુ એડિસન (મૂલ્યવર્ધન) કરવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પકવેલી મગફળીનું ઘાણીમાં તેલ જાતે કાઢીએ છીએ. મરચાની પણ સુકવણી કરીને તેનો પાવડર બનાવી પેકિંગ કરીને વેચાણ માટે મૂકીએ છીએ. લોકોને પ્રાકૃતિક અને શુદ્ધતાની ખાતરી હોવાથી રુ.૩૭૦૦ સુધીની કિંમતે સીંગતેલનો ડબ્બો અને રુ.૪૫૦ સુધીની કિંમતે પણ ૧ કિલો મરચું પાવડર હોંશે હોંશે ખરીદી કરવામાં આવે છે. આમ, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન હોવાથી અને તેના મૂલ્યવર્ધન થવાથી ખૂબ મોટો આર્થિક ફાયદો થાય છે.દોઢ વર્ષ સુધીમાં સીંગતેલ બગડી જવું અથવા વાસ આવવી કેખોરું થઈ જાય તો ગ્રાહકને તે બોનસ આપવાનો વાયદો કરે છે. ગ્રાહકોનેવસ્તુ વેચાણ કર્યા પછી આજ સુધી એક પણ ગ્રાહકે આવી કોઇ ફરિયાદ કરી નથી તેમ તેમણે ઉમેર્યુહતુ.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત સરકારની પ્રાકૃતિક ખેતીની મુહિમની સરાહના કરતા તેમણે કહ્યુ કે, આજે ઘનજીવામૃત, જીવામૃતસહિતના પ્રાકૃતિક ખેતીના આયોમોના ઉપયોગથી જમીન એકદમ પોચી અને મુલાયમ થઈ ગઈ છે.હવે ઉનાળામાં પણ ખેતરની ખેડ કરવામાં આવે તો ઢેફાં નીકળતા નથી. જમીનને જીવંત રાખવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે અને જમીનના જીવંત હશે તો જ ઉત્પાદન આપશે. તેઓ પ્રાકૃતિક ખેતીમાં રોગ નિયંત્રણ માટે દસપર્ણી અર્ક, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિસ્ત્રનો ઉપયોગ કરે છે. અન્ય ખેડૂતોને પણ ખેત ઉત્પાદનોનું મૂલ્ય વર્ધન કરવા માટે ભારપૂર્વક જણાવતા કહે છે કે, પ્રાકૃતિક ખેત ઉત્પાદન અને મૂલ્ય વર્ધનના સંયોગથી ખેડૂતોને લાભ જ લાભ છે.
ઘઉંની પરાળ કે ખેતરના કચરાંને દીવાસળી ન ચાંપતા, તેનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવો જોઈએ. ખેડૂતો સતત નિંદામણ પણ કરતા રહે છે, આ નિંદામણને ખેડૂતો બહાર ફેંકી દેતા હોય છે, પરંતુ તેનો પણ જમીનની ફળદ્રુપતા વધારવામાં ઉપયોગ થઈ શકે છે. આંગણું ચોખ્ખું અને ખેતર ગોબરું હોવું જોઈએ એટલે કે જે ખેત કચરો છે તેનો ખેતીમાં યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.પ્રાકૃતિક ખેતીમાં આ સફળતા મેળવવા માટે શ્રી કેતનભાઇએ ઘણી રઝળપાટ પણ કરી છે, તે સતત લોકોને પ્રાકૃતિક ખેતી અને તેના ઉત્પાદનોનું મૂલ્ય સમજાવતા રહે છે. તેમણે એમ પણ કહ્યું કે, ખેડૂતોએ સતત નવું શીખવા અને સમજવા માટે પ્રગતિશીલ ખેડૂતો અને તેમના ફાર્મની મુલાકાત કરવી જોઈએ.શ્રી કેતનભાઇ ખોયાણીને પ્રાકૃતિક કૃષિનું મોડલ ફોર્મ બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી સહાય મળવાની સાથે આત્મા પ્રોજેક્ટ અમરેલીની ટીમ દ્વારા પણ સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન મળ્યું તે માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

















Recent Comments