આજે જ્યારે આપણે ૨૧મી સદીમાં હરણફાળ ભરી રહ્યા છીએ, ત્યારે ‘વિકાસ’ શબ્દની પરિભાષા કંઈક અજીબ રીતે બદલાઈ રહી છે. રસ્તા પહોળા કરવા હોય કે નવી ઇમારતો બનાવવી હોય, સૌથી પહેલો ઘા કુદરતના ફેફસાં સમાન ગણાતા વૃક્ષો પર કરવામાં આવે છે. વર્ષોથી અડીખમ ઉભેલા અને પક્ષીઓના કિલકિલાટથી ગુંજતા ઘટાદાર વૃક્ષોને આજે વિકાસના ઓઠા હેઠળ નિર્દયતાથી કાપી નાખવામાં આવી રહ્યા છે.
જીવતાં જગતિયું કરી સીધા સ્મશાને!
વિચિત્રતા તો જુઓ કે, જે વૃક્ષો આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન આપે છે, તેમને જ શ્વાસ લેવા માટે જગ્યા બચી નથી. વિકાસની આ આંધળી દોટમાં પર્યાવરણના ભોગે થતી પ્રગતિ કેટલે અંશે વ્યાજબી છે? વૃક્ષોને જીવતા રાખવાને બદલે તેમને કાપીને સીધા સ્મશાન ભેગા કરી દેવાની આ નીતિ ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝે આખા વિશ્વને થિયરી આપી હતી કે ‘વૃક્ષો સજીવ છે’. તેમને પણ સંવેદના હોય છે, તેમને પણ પીડા થાય છે. તેમ છતાં, જ્ઞાન હોવા છતાં અજ્ઞાની બનીને માનવ જગત આ સજીવોનું નિકંદન કાઢી રહ્યું છે.
સંસ્કૃતિ અને પ્રકૃતિનો છેદ
ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોને દેવનું સ્વરૂપ માનવામાં આવે છે. વડ, પીપળો કે તુલસીની આપણે પૂજા કરીએ છીએ. વૃક્ષો માનવજાત પાસેથી કશું જ અપેક્ષા રાખ્યા વગર સતત અર્પણ કરતા રહે છે. છતાં પણ, આપણે આપણી સંસ્કૃતિના આ મૂલ્યોને ભૂલીને માત્ર ભૌતિક સુખ-સુવિધાઓ પાછળ દોડી રહ્યા છીએ.
જો પર્યાવરણ જ નહીં બચે, તો આ વિકાસ કોના માટે હશે? જો આવતીકાલની પેઢીને શુદ્ધ હવા જ નહીં મળે, તો આ પહોળા રસ્તાઓ અને ઊંચી ઇમારતોનો શું અર્થ? સમય આવી ગયો છે કે આપણે વિકાસની સાથે પ્રકૃતિના જતનનો પણ વિચાર કરીએ, અન્યથા કુદરત જ્યારે પોતાનો હિસાબ માંગશે ત્યારે આપણી પાસે કોઈ જવાબ નહીં હોય.


















Recent Comments