અમરેલી

‘ડિજિટલ’ યુગમાં ‘કુદરતી’ વાત્સલ્યની ખોજ, “છોકરા રમાડવા સહેલા નથી” 

પાંધીસર સાચું જ કહે છે કે, જો માતૃપ્રેમ અને પિતૃત્વની ભાવનાને ખરા અર્થમાં કેળવવામાં આવે, તો બાળપણ કંચન જેવું મૂલ્યવાન બની શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું આપણે એ ‘પારસમણિ’ જેવા પ્રેમની વર્ષા કરવા માટે તૈયાર છીએ? ​આજના સમયમાં શિશુપાલન (Parenting) એક એવો પડકાર બની ગયો છે કે લોકોએ તેના માટે સેમિનારો અને ક્લાસીસનો સહારો લેવો પડે છે. પરંતુ વિજ્ઞાનના નિયમો ગોખવાથી જેમ સાયકલ ચલાવતા નથી આવડતી, તેમ માત્ર થીયરી ભણવાથી બાળ ઉછેર નથી આવડતો. સાયકલ શીખવા માટે જેમ પડવું અને છોલાવવું અનિવાર્ય છે, તેમ સંતાનો સાથે આત્મીયતા કેળવવા માટે તેમની સાથે પ્રત્યક્ષ સમય વિતાવવો અને સંઘર્ષોમાંથી પસાર થવું પણ એટલું જ જરૂરી છીએ.અને એક વાત ગાંઠે બાંધી લેજો કે દરેક હસ્તીને પોતાનું બાળપણ પૂર્ણતયા ભોગવવાનો અબાધિત અધિકાર છે. પરંતુ સમય અને સામાજિક પરિવર્તનમાં આપણી દ્રષ્ટિ અને સૃષ્ટિ સમૂળગી બદલાઈ ગઈ છે. 

​આજના યુગમાં મારઘાડ અને હિંસાનો આનંદ પ્રાપ્ત કરતું એ બચપણ એ તરફ કેમ વળે છે? 

શાળાનું હોમવર્ક પણ અડધું યંત્રવત પેરન્ટસને  કેમ કરવું પડે છે? તો નિશ્ર્ચિત શાળા અને નિશ્ર્ચિત શિક્ષક પાસે ટયૂશનમાં જવાનો બાળકો કેમ આગ્રહ રાખે છે?? આ દરેક સવાલ પાછળ પેરન્ટસ દ્વારા ક્યારેય ચિંતન અને મનોમંથન કરવામાં આવે છે ખરું? 

​આજે ફરિયાદોની હારમાળા છે: “બાળક કહેલું માનતું નથી, મોબાઈલ વગર જમતું નથી, જીદ કરે છે, તોડફોડ કરે છે.” પણ વિચારવા જેવી વાત એ છે કે, શું આ પરિવર્તન પાછળ આપણી બદલાતી જતી જીવનશૈલી જવાબદાર નથી?નૂડલ્સ, પિઝા અને પ્રોસેસ્ડ ફૂડમાં રહેલાં રસાયણો માત્ર શરીર જ નહીં, બાળકના માનસિક વિકાસ અને સ્મૃતિ પર પણ માઠી અસર કરે છે. ખોટા ખાનપાન અને ડિજિટલ એક્સપોઝરને કારણે બાળકોમાં વહેલી ઉંમરે આવતી પુખ્તતા તેમને ગૂંચવી રહી છે.

​ગઈકાલનું નિર્દોષ બાળપણ સામે  આજની યંત્રવત જીંદગી

​આપણું બાળપણ યાદ કરો

શેરીઓમાં દોડવું, ગધેડાની પૂંછડીએ ડબ્બા બાંધવા જેવી તોફાની મસ્તી, અને પડોશીઓની એ મીઠી ફરિયાદો! એ સમયે યશોદા મૈયા પાસે જતી ગોપીઓ જેવી રાવ આવતી, પણ એમાં ક્યાંય દ્વેષ નહોતો, માત્ર નિર્દોષતા હતી. આજે ગલીઓ સૂની છે અને બાળકો ગેજેટ્સમાં કેદ છે.

​સમય ફાળવવો એ જ સાચું સંવર્ધન ​બાળકને મોંઘી વસ્તુઓ કે સુવિધાઓ આપવા કરતાં ‘સમય’ આપવો વધુ કીમતી છે. જો આપણે ઈચ્છીએ છીએ કે આપણું સંતાન સંસ્કારી અને સમજદાર બને, તો આપણે પણ બાલ્યકાળના એ ‘કંચન’ રૂપી વાત્સલ્યને ફરી જીવંત કરવું પડશે. યાદ રાખજો, જે બાળકને ઘરના વડીલોનો પ્રેમ અને પૂરતો સમય મળે છે, તેને બહારના ‘ફાસ્ટ ફૂડ’ કે ‘ફાસ્ટ લાઈફ’ના આકર્ષણો ક્યારેય વિચલિત કરી શકતા નથી.

Related Posts