અમરેલી

સાવરકુંડલામાં અંગાર ઓકતું આકાશ. બપોરે ‘જનતા કર્ફ્યુ’ જેવો માહોલ

સૂરજ તપે છે આકરો ને લૂ વહે છે પવનમાં,

રાહત મળે છે બસ હવે માટલાના શિતળ જલમાં.

​પંખી બિચારા ક્યાં જશે આ અગન જેવી ગરમીમાં?

સૌ માનવી કાજે હવે સેવાનું ઝરણું વહે છે મનમાં.

–“પાંધી સર”

શિયાળાની વિદાય સાથે જ સાવરકુંડલા શહેરમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. આજે ગરમીનો પારો આસમાને પહોંચતા શહેરના માર્ગો પર બપોરે બે થી ચાર વાગ્યા દરમિયાન જાણે ‘જનતા કર્ફ્યુ’ હોય તેવી શાંતિ જોવા મળી હતી. કાળઝાળ ગરમીથી બચવા લોકો ઘરો અને ઓફિસોમાં કેદ થઈ ગયા હતા.ઘરો ઓફિસોમાં પંખા કૂલર અને એ. સી. ચાલુ જોવા મળેલ. 

આકરી ગરમીની સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધો પર જોવા મળી રહી છે. ગરમીના પ્રકોપને જોતા વાલીઓ અને સ્થાનિકોમાં શાળાના સમયમાં ફેરફાર કરવાની પ્રબળ માંગ ઉઠી છે, જેથી બાળકોને બપોરની લૂથી બચાવી શકાય.

ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીનો રસ, છાશ, લસ્સી અને આઈસ્ક્રીમ તરફ વળ્યા છે. ઠેર-ઠેર ઠંડા પીણાંની દુકાનો પર ભીડ જોવા મળી રહી છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ રાહત દરે કે વિનામૂલ્યે તાજી છાશનું વિતરણ કરી માનવતા મહેકાવવામાં આવી રહી છે.

માત્ર મનુષ્યો જ નહીં, અબોલ પશુ-પંખીઓ પણ આ ગરમીમાં વ્યાકુળ બન્યા છે. જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને અબોલ પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, ગરમ લૂ અને ડીહાઈડ્રેશનથી બચવા માટે માટલાનું ઠંડું પાણી, કાચી કેરી અને ડુંગળીનું સેવન કરવું હિતાવહ છે.

​કોઈ કવિના મુખમાંથી આ ગરમીનો પ્રભાવ જોઈને શબ્દો સરી પડ્યા 

*”સૂરજ ધીમા તપો”*

Related Posts