અમરેલી

ભેળસેળનું ‘ધીમું ઝેર’: શુદ્ધતાના નામે મોતનો વેપાર, ક્યાં સુધી જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં?

વર્તમાન સમયમાં ભેળસેળ જાણે જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગઈ હોય તેવી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. બજારમાં મળતી દૂધ જેવી પવિત્ર વસ્તુથી લઈને જીવરક્ષક દવાઓ સુધી બધે જ ‘નકલી’નો ઓછાયો જોવા મળી રહ્યો છે. વધતા જતાં કેન્સરના કેસો પાછળ આ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો એક મોટું જવાબદાર પરિબળ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે, ત્યારે સામાન્ય માણસ હવે બજારની કોઈ પણ વસ્તુ ખરીદતા પૂર્વે મનમાં એક અજાણ્યો ભય અનુભવી રહ્યો છે. જ્યાં બકરી પણ નથી ત્યાં દૂધના ટેન્કર ક્યાંથી?

​તાજેતરમાં વડિયાના હનુમાન ખીજડીયા ગામેથી યુવરાજસિંહ અને તેમની યુવા ટીમ દ્વારા જાનના જોખમે પકડાયેલું શંકાસ્પદ દૂધનું ટેન્કર સિસ્ટમની પોલ ખોલે છે. આશ્ચર્યની વાત એ છે કે જે વિસ્તારમાં પશુપાલનનું નામ નિશાન ન હોય ત્યાંથી આખે આખા ટેન્કરો ભરાય ત્યારે સામાન્ય જનતાને શંકા જાય છે, પરંતુ સરકારી તંત્ર કેમ ઊંઘતું ઝડપાય છે? આ ઘટનાએ સાબિત કર્યું છે કે જો જાગૃત યુવાનો મેદાને ન આવે તો આ ઝેર લોકોના રસોડા સુધી પહોંચી જ ગયું હોત.

​માત્ર દૂધ જ નહીં, ડગલે ને પગલે છેતરામણી

​ભેળસેળનો આ ખેલ માત્ર દૂધ પૂરતો મર્યાદિત નથી ઘી 

​કોસ્મેટિક્સ અને મીઠાઈ: તહેવારોમાં નકલી માવો અને કેમિકલયુક્ત સૌંદર્ય પ્રસાધનોનો રાફડો ફાટે છે.

​ અખબારોમાં અવારનવાર નકલી દવાઓના રેકેટ પકડાય છે, જે સીધા દર્દીના જીવન સાથે રમત છે.

​હદ તો ત્યારે થાય છે જ્યારે નકલી જજ, નકલી પોલીસ કે નકલી અધિકારીઓ બનીને લોકોની છેતરપિંડી કરવામાં આવે છે.

​વિદેશી કાયદાની સખ્તાઈ અને આપણી લાચારી

​વિકસિત દેશોમાં ખાદ્ય સુરક્ષા અંગેના કાયદાઓ અત્યંત કડક છે અને તેનું પાલન પણ એટલું જ ચુસ્ત રીતે થાય છે. આપણે ત્યાં ‘સેમ્પલ’ લેવાય છે, પણ તેનો રિપોર્ટ જાહેર જનતા સુધી પહોંચતા મહિનાઓ વીતી જાય છે. આ વિલંબ ભેળસેળિયાઓને છીંડા શોધવામાં મદદરૂપ થાય છે.

 લેબોરેટરીમાં મોકલાયેલા સેમ્પલનો રિપોર્ટ યુદ્ધના ધોરણે જાહેર કરી જે-તે બ્રાન્ડ કે વ્યક્તિના નામ સાર્વજનિક કરવા જોઈએ.. ભેળસેળ કરનારાઓને માત્ર આર્થિક દંડ નહીં, પણ માનવવધના પ્રયાસ જેવી કડક કલમો હેઠળ સજા થવી જોઈએ.

 જો કોઈ વિસ્તારમાં લાંબા સમયથી આવું રેકેટ ચાલતું હોય, તો સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની પણ પૂછપરછ થવી જોઈએ.

વડિયાના હનુમાન ખીજડીયા ગામની ઘટના તો માત્ર ‘પાશેરામાં પૂણી’ સમાન હોઈ શકે છે. જો સમાજને કેન્સર જેવી બીમારીઓથી બચાવવો હોય તો તંત્રએ ‘કુંભકર્ણની નિદ્રા’ ત્યાગીને સક્રિય થવું પડશે. જાગૃત નાગરિકો પોતાનું કામ કરી રહ્યા છે, હવે વારો સરકાર અને તંત્રનો છે.

Related Posts