અમરેલી

રાજ્ય સરકાર દ્વારા ફળ પાક વાવેતર વિસ્તરણ માટે બાગાયતી ખેડૂતોને રૂ. ૫૦,૦૦૦ સુધી આપવામાં આવી રહી છે સહાય

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે “મારી યોજના પોર્ટલ” શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી, અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સહિતની જીણવટભરી વિગતો સરળતાથી મળી જાય છે. આ પોર્ટલ પર ફળ પાક વાવેતર વિસ્તરણ માટે સહાયની માહિતી આપવામાં આવી છે. 

બાગાયતી પાકોની ખેતીમાં એકમ વિસ્તારમાંથી વધુ આવક મળતી હોય છે અને બારેમાસ કામ મળી રહેતું હોવાથી બાગાયત રોજગારીની તકો પુરી પાડે છે. બાગાયતી વૃક્ષો પર્યાવરણ સુધારવામાં મદદ કરે છે.  રાજ્યમાં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર વધારવા માટે રાજ્ય સરકારે જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકી છે.

ફળ પાક વાવેતર વિસ્તરણ માટે સહાય કાર્યક્રમમાં મુખ્યત્વે ઘનિષ્ઠ તેમજ અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ, વગેરે માટે  પ્રતિ હેક્ટર લાભાર્થીદીઠ ૪ હેક્ટરની મર્યાદામાં – રૂ. ૩૦,૦૦૦ થી ૪૦, ૦૦૦ સુધીની સહાય આપવામાં આવી રહી છે.  જિલ્લામાં કેળના બગીચા કરવા માગતા ખેડૂતો માટે કેળ ટીસ્યુ પાકના નવા વાવેતરમાં પાકના નવા વાવેતરમાં સહાય- થયેલ ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ. ૫૦૦૦૦ પ્રતિ હેક્ટર સહાય, લાભાર્થીદીઠ ૪ હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. પપૈયા પાકના નવા વાવેતરમાં ખર્ચના ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૩૦૦૦૦ પ્રતિ હેક્ટર, બે હપ્તામાં સહાય આપવામાં આવે છે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની આ યોજના માટે તમામ ખેડૂતો અરજી કરી શકે છે. અરજી માટે ખેડૂતોએ જરૂરી દસ્તાવેજોમાં ૭-૧૨નો દાખલો, આધાર કાર્ડ, બેંકપાસ બુક, રદ ચેક આપવાનો રહે છે. આ યોજના માટેની સહાય ઓનલાઇન અરજી દ્વારા આપાવમાં આવે છે. 

યોજનાની સહાયતા મેળવવા માટેની ઓનલાઇન અરજીની લિંક:  https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/ મારી યોજના પોર્ટલ પર આ યોજના વિશે માહિતી મેળવવા માટેની લિંક: https://mariyojana.gujarat.gov.in/MoreDetails.aspx 

Related Posts