અરજીને ફગાવી કોર્ટે કહ્યું,”એક જ પ્રકારની અરજી વારંવાર કેમ દાખલ કરવામાં આવે છે?” સુપ્રિમ કોર્ટે શંભુ બોર્ડર પરથી ખેડૂતોને હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કડક સૂરમાં કહ્યું કે એક જ પ્રકારની અરજી વારંવાર કેમ દાખલ કરવામાં આવે છે? આ અંગેનો કેસ પેન્ડિંગ છે તો પછી આવી પિટિશન કેમ દાખલ કરવામાં આવી રહી છે? કોર્ટે કહ્યું કે તે પહેલાથી પેન્ડિંગ કેસ સાથે આ અરજી પર સુનાવણી નહીં કરે, તેનાથી ખરાબ સંદેશ જાય છે અને અમે અરજીને ફગાવી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ મનમોહનની સુપ્રીમ કોર્ટની બેંચ સમક્ષ ખેડૂતોને હાઈવે પરથી હટાવવાની સૂચના આપવા માટે માંગ કરવામાં આવી હતી.
અરજી ફગાવી દેતા જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે એવું લાગે છે કે આ મુકદ્દમો પ્રચાર માટે કરવામાં આવી રહ્યો છે. આ અંગે અરજદારના વકીલે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ખેડૂતોની ફરિયાદોના નિરાકરણ માટે તમામ રચનાત્મક પગલાં લીધા છે, મારી અરજી મુસાફરોને પડી રહેલી સમસ્યાઓ અંગેની છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે દરેક બાબતથી વાકેફ છીએ, એવું નથી કે અરજદાર જ સમાજના જાગૃત રક્ષક છે અને બાકીના લોકો જાગૃત નથી. એક જ બાબત પર વારંવાર પિટિશન ફાઇલ કરશો નહીં. તમને જણાવી દઈએ કે પહેલાથી જ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ દ્વારા ૫ સભ્યોની ઉચ્ચ સત્તાવાળી સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિને સ્જીઁ અને અન્ય મુદ્દાઓ પર ખેડૂતો સાથે વાત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો અને પેનલને બેરિકેડ્સને હટાવવા માટે ખેડૂતો સાથે વાત કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
આ સાથે કોર્ટે ખેડૂતોને તેમના આંદોલનનું રાજનીતિકરણ ન કરવા અને તેમની સભાઓમાં ગેરવાજબી માંગણી ન કરવા પણ કહ્યું હતું. અરજદારે સુપ્રીમ કોર્ટને ખેડૂતોને કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાનો આદેશ આપવાની પણ અપીલ કરી હતી. અરજદારની દલીલ હતી કે આ રીતે હાઈવે બ્લોક કરવો એ લોકોના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. ઉપરાંત, તેને નેશનલ હાઈવે એક્ટ અને ઈન્ડિયન જ્યુડિશિયલ કોડ હેઠળ ગુનો જાહેર કરવામાં આવ્યો હતો. અરજદારે માર્ગ બંધ કરવાને ગુનો ગણીને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી.
રવિવારે વિરોધ કરી રહેલા ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની તેમની માંગને અધવચ્ચે મોકૂફ રાખી હતી. હરિયાણા પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ અને વોટર કેનનનો ઉપયોગ કર્યા બાદ આ બધું થયું. આ વર્ષે ફેબ્રુઆરીમાં હરિયાણા સરકારે પંજાબ સાથેની શંભુ બોર્ડર બંધ કરી દીધી હતી. તેની પાછળનો હેતુ એ હતો કે ખેડૂતો દિલ્હી તરફ કૂચ ન કરી શકે. ખેડૂતોએ ૨૦૨૦માં ઐતિહાસિક આંદોલન ચલાવ્યું હતું, જે બાદ સરકારે ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવા પડ્યા હતા. ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવ અને તેમની જમીનના વળતર માટે આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના મંત્રી અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોને મોટી સમસ્યા ગણાવી છે. જ્યારે ખેડૂતો તેને પોતાના હક્કની લડાઈ ગણાવી રહ્યા છે.
Recent Comments