સાવરકુંડલા શહેરમાં નવલાં નવરાત્રી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે. આમ ગણીએ તો સાવરકુંડલાના લોકોની ગણતરી ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહરનું જતન કરતાં લોકોમાં કરવામાં આવે છે. અહીં માત્ર નવરાત્રી જ નહિ, રામનવમી, કૃષ્ણ જન્મોત્સવ, હોળી, ધૂળેટી, દીવાળી, ઉતરાયણ જેવાં તમામ પર્વો પૂર્ણ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. હાલ નવરાત્રિ પર્વ હોઈ સાવરકુંડલા શહેરની વાત કરીએ તો વિવિધ ગરબી મંડળો દ્વારા શહેરમાં માતાજીની આકર્ષક મૂર્તિઓ ભાવિકોના દર્શનાર્થે બનાવવામાં આવે છે. આ સંદર્ભે વાત કરીએ તો સાવરકુંડલા ખાતે મેલડી ચોક ખાતે ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા મેલડી માતાજીની પૂર્ણ કદની મૂર્તિ દર્શનાર્થે મૂકવામાં આવી છે. તો સર્વોદય નગર ખાતે આશાપુરા માતાજીની મૂર્તિના દર્શનાર્થે લોકો ઉમટી પડતાં જોવા મળે છે. તો મણીભાઈ ચોકમાં મહાકાળી માતાની મૂર્તિના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે તો પોપટ બોઘાની શેરીમાં બહુચર માતાજીની હલનચલન વાળી મૂર્તિના દર્શન કરવા એક અનોખો લ્હાવો ગણાય. ઝીંઝુડા ગેઈટ વિસ્તારમાં શિવજીની પ્રતિમાના અદભુત દર્શન થાય છે. તો ગોંદરા વિસ્તારમાં મચ્છુ માતાના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે
હવે વાત કરીએ દેવળા પોલીસ ચોકી પાસે આવેલ કૃષ્ણ ગૌશાળા ખાતે પણ ઓપરેશન સિંદૂરની થીમને લક્ષમાં રાખીને એક અદભૂત કૃતિ તૈયાર કરવામાં આવી છે.
સર્વોદય નગર ખાતે આવેલ જય ખોડીયાર બાળ મંડળ દ્વારા પ્રાચીન સંસ્કૃતિના રાસ ગરબા નિહાળવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ રાસ મંડળના રાસ ગરબા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, કાળુભાઈ વિરાણી, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા સમેત અનેક રાજકીય સામાજિક મહાનુભાવો નિહાળી અને તેની કલાને બિરદાવી ચૂક્યા છે. છેલ્લા પંચોતેર વર્ષથી આ ગરબી મંડળની સભ્યતા અને સંસ્કૃતિ એકધારી જળવાઈ રહી છે. આ ગરબી મંડળના આયોજક કનુભાઈ સહિત તમામ સભ્યો ગરબી મંડળના તમામ સભ્યોને પ્રાચીન રસની પૂર્ણ તાલીમ સાથે તૈયાર કરે છે.
સાવરકુંડલા શહેરમાં વિવિધ જ્ઞાતિ મંડળો દ્વારા પણ પોતાની જ્ઞાતિના ભાવિકો માટે ખાસ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. એકંદરે આ નવલાં નવરાત્રી દરમિયાન સાવરકુંડલાની ભાતીગળ સંસ્કૃતિના દર્શન ઠેર ઠેર જોવા મળે છે.
Recent Comments