ચરણમાં જો શ્રદ્ધા હોય તો માર્ગ પણ મલકાય છે,
આપા ગીગાના નામે પથ્થર
પણ રસ્તો કરી જાય છે.
નથી જોઈતી પ્રસિદ્ધિ,
નથી કોઈ આડંબર અહીં,
સત્કર્મના ભાથે જ આ
પદયાત્રા સફળ થાય છે.
–“પાંધી સર”
સૌરાષ્ટ્રની ધરતી એટલે સંતો, શૂરવીરો અને શ્રદ્ધાળુઓની ભૂમિ. આ વાતને સાર્થક કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉમરલા ગામના વતની શ્રી ભરતભાઈ ચૌહાણ હાલ સાવરકુંડલાના મહેમાન બન્યા હતા. છેલ્લા બે દિવસથી પોતાના વતનથી પગપાળા પ્રસ્થાન કરી તેઓ હિન્દુ ધર્મના આસ્થાના પ્રતીક સમાન પૂજ્ય આપા ગીગાની જગ્યા ‘સત્તાધાર’ ખાતે શીશ ઝુકાવવા જઈ રહ્યા છે.
આજે વહેલી સવારે સાડા છ વાગ્યે સાવરકુંડલાના હાથસણી રોડ પરથી પસાર થતી વખતે પત્રકાર બિપીનભાઈ પાંધી સાથેની મુલાકાતમાં ભરતભાઈએ પોતાની આ સફર અને શ્રદ્ધાના અનુભવો વર્ણવ્યા હતા.
ભરતભાઈ દર વર્ષે પોતાના ગામથી સત્તાધાર સુધીની પદયાત્રા કરે છે. તેમણે જણાવ્યું કે, આપા ગીગાની કૃપાથી તેમના જીવનના અશક્ય લાગતા કાર્યો પણ સહજતાથી પૂર્ણ થયા છે. આજે પણ તેઓ સંયુક્ત કુટુંબમાં રહી ખેતી સાથે સંકળાયેલા છે. ઈશ્વરની અસીમ કૃપાથી તેમના સંતાનો મેડિકલ લાઈનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે, જે તેમની સાત્વિક જીવનશૈલી અને ભક્તિનું પરિણામ હોવાનું તેઓ માને છે.
યાત્રા દરમિયાન હાથસણી રોડ પર રહેતા પ્રવિણભાઈ વિંઝુડા સાથે પણ તેમણે સત્સંગનો લ્હાવો લીધો હતો. કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ભૂખ વગર, માત્ર ઈષ્ટદેવને રાજી કરવા નીકળેલા આ પદયાત્રી આવતીકાલે સાંજે સત્તાધાર પહોંચશે. સાદગી અને ઉચ્ચ વિચારોના માલિક એવા ભરતભાઈની આ યાત્રા સૌરાષ્ટ્રની પરંપરા અને ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાની સાક્ષી પૂરે છે.


















Recent Comments