અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક ખૂબ મોટો અને મહત્વનો નિર્ણય કર્યો હતો જેમાં, ટ્રમ્પ વહીવટીતંત્રને અમેરિકામાં રહેતા લાખો ઇમિગ્રન્ટ્સની અસ્થાયી કાનૂની સ્થિતિને સમાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ઇમિગ્રન્ટ્સ વેનેઝુએલા, ક્યુબા, હૈતી અને નિકારાગુઆ જેવા દેશોના છે. આ નિર્ણય દેશનિકાલ પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે અને ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિને મજબૂત બનાવી શકે છે.
આ કેસની વાત કરીએ તો વર્ષ 2022-23માં સરહદ પારથી વધતી ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને, બાઈડન સરકારે આ દેશોના લોકો માટે પેરોલ કાર્યક્રમ શરૂ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત, ચોક્કસ શરતો પૂરી કરીને બે વર્ષ માટે અમેરિકામાં કામ કરવા અને રહેવાની પરવાનગી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા લગભગ 5.3 લાખ લોકોને દેશનિકાલમાંથી રાહત મળી. અગાઉ એક ફેડરલ કોર્ટે આ નિર્ણય સામે સ્ટે મૂક્યો હતો, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે તે સ્ટે ઉઠાવી લીધો છે.
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળની શરૂઆતમાં આ કાર્યક્રમ સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમને પેરોલ યોજના સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી, માર્ચમાં, નોમે જાહેરાત કરી હતી કે આ યોજના 24 એપ્રિલથી સંપૂર્ણપણે બંધ થઈ જશે.
મહત્વનું છે કે, કોર્ટના આ નિર્ણય અગાઉ મેસેચ્યુસેટ્સની એક કોર્ટે રોકી દીધો હતો જ્યાં 23 લોકોના જૂથે તેનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના આદેશને રદ કરી દીધો છે. આનો અર્થ એ થયો કે હવે ટ્રમ્પ સરકારના નિર્ણયનો અમલ થઈ શકે છે અને હજારો ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી હાંકી કાઢવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
Recent Comments