જેનું મૂળ નામ મુમતાઝ જહાન બેગમ ડેહલાવી કે જેઓ તેમના સ્ટેજ નામ મધુબાલાથી ઓળખાય છે.
હિન્દી સિનેમાના ઈતિહાસમાં અનેક ચહેરાઓ આવ્યા અને ગયા, પરંતુ જે ચહેરાએ ‘ક્રિસ્ટલ ક્લિયર’ અભિવ્યક્તિ અને અલ્લડ સ્મિતથી કરોડો દિલો પર રાજ કર્યું, તે એટલે મધુબાલા. કુદરતનો કેવો ગજબનો સંયોગ કે જેનો જન્મ પ્રેમની ઉજવણીના દિવસે (૧૪ ફેબ્રુઆરી) થયો, તે જ ફેબ્રુઆરી માસમાં (૨૩ ફેબ્રુઆરી) આ દુનિયા છોડી ગઈ. જાણે ફેબ્રુઆરીના ટૂંકા અને નિર્દોષ બાળ સમાન મહિના સાથે તેની આત્માનો કોઈ અતૂટ નાતો હતો.
વર્ષ ૧૯૪૯માં ‘મહલ’ ફિલ્મથી જે છબી લોકોના દિલમાં મઢાઈ ગઈ હતી, તેની પાછળ એક અત્યંત શિસ્તબદ્ધ કલાકાર છુપાયેલી હતી. મુંબઈના મુશળધાર વરસાદમાં જ્યારે આખું શહેર ઠપ થઈ જાય, ત્યારે પણ આ અભિનેત્રી ચાલીને સ્ટુડિયો પહોંચતી. ‘ગુરુણામ ગુરુ’ એવા આ કલાકારે ક્યારેય ચહેરા પર દિલનું દર્દ ડોકાવા દીધું નહોતું. ‘મહલ’નું ગીત *”તડપેગા કોઈ કબ તક, બે આશ, બેસહારે”* જાણે તેના પોતાના જ જીવનનું ધ્રુવપદ બની ગયું હતું.
મધુબાલા સ્વભાવે તદ્દન નિર્દોષ બાળ જેવી હતી. શૂટિંગ દરમિયાન સહ-કલાકારની ભૂલ પર તે ખિલખિલાટ હસી પડતી. મોટાભાગના કલાકારો આ નિર્દોષતા સમજતા, પરંતુ ‘મુગલે આઝમ’ના સેટ પર નિગાર સુલતાનાની ભૂલ પર તેમનું હસવું કદાચ એક વણજોયો વિવાદ બની ગયો. જે પ્રેમ અને સમજણની તેમને તલાશ હતી, તે ક્યારેય પૂર્ણ ન થઈ.. જે મળ્યા તે સમજી ન શક્યા અને જે સમજી શક્યા તે મળ્યા નહીં.
પ્રખ્યાત લેખક સઆદત હસન મંટોએ જેવી રીતે માતૃભૂમિની પસંદગીમાં ભૂલ કરી હતી, તેવી જ રીતે મધુબાલાની રુહે ‘પિતા’ની પસંદગીમાં જાણે થાપ ખાધી હોય એવુ લાગે છે . પિતાના વર્તનને કારણે તેમના હૃદયમાં જે તિરાડ પડી, તે તબીબી ભાષામાં ‘વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ’ (હૃદયમાં કાણું) હતી, જે એ જમાનામાં નાઈલાજ બીમારી ગણાતી. જેમ અણીદાર ખીલ્લી ટાયરને પંક્ચર કરી દે, તેમ જીવનની વિટંબણાઓએ તેમના કોમળ દિલને આજીવન પીડા આપી.
પોતાના જીવનના છેલ્લા ૯ વર્ષ મધુબાલાએ પથારીવશ વિતાવ્યા, જે દ્રશ્ય મહાભારતના ભીષ્મ પિતામહની બાણશૈયાની યાદ અપાવે છે. રાધાજીની જેમ જેણે નિઃસ્વાર્થ પ્રેમ કર્યો, તે ‘રીયલ વેલેન્ટાઈન’ મધુબાલા આજે ભલે આપણી વચ્ચે નથી, પણ તેની અદાકારી અને સ્મિત હંમેશા અમર રહેશે.
અંતમાં આ બે પંક્તિઓ સાથે મધુબાલાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
”બેકસ પે કરમ કીજિયે, સરકારે મદિના…
જખ્મો સે ભરા હૈ કિસી મજબૂર કા સીના.”


















Recent Comments