અમરેલી

સાવરકુંડલા જલારામ ભકતોનો જલારામ બાપા પર અખંડ ભરોસાની જીત

આમ તો સાંપ્રત સમયમાં વાતાવરણ અનિશ્ચિત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વાવાઝોડાની અસર હેઠળ વરસાદ અને એ પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. જો કે સાવરકુંડલા શહેરના રઘુવંશી સમાજને જલારામ બાપાની કૃપા પર અખંડ ભરોસો હતો. એટલે જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમની સૂચીમાં કોઈ ફેરફાર છેલ્લી ઘડી સુધી કરેલ નહીં. હા, અમરેલી લોહાણા મહાજને આ સંદર્ભે સાંપ્રત પરિસ્થિતિનું વિશ્લેષણ કરીને શોભાયાત્રા તેમજ સમૂહ જ્ઞાતિ ભોજનનો કાર્યક્રમ રદ કરેલ. તો ક્યાંક રાજકોટ જેવા મહાનગરમાં પણ સમૂહ ભોજન પ્રસાદનું આયોજન રવિવારે કરવામાં આવ્યું. પણ આ તો સાવરકુંડલા અને સાવરકુંડલાના રઘુવંશી અને જલારામ ભક્તોનો જલારામ બાપા પર ભક્ત પ્રહ્લાદ જેવો અખંડ ભરોસો. પછી પૂછવું જ શું?? એટલે વાદળો છવાયા પરંતુ આ લખાઈ છે ત્યાંસુધી બપોરના ચાર  વાગ્યા સુધી વરસાદનું એક ટીપું પણ ન વરસ્યું..!!  બાપાએ જ  રઘુવંશીઓના ભરોસાને અખંડ રાખવા માટે કદાચ વરસાદે વિરામ લીધો આ લખાય છે ત્યાં સુધી તો વાદળો છવાયેલા છે પરંતુ વરસાદ હજુ નથી વરસ્યો. અને જલારામ બાપાની શોભાયાત્રા ભવ્યતા અને દિવ્યતા સાથે શહેરમા ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ફરી..આ પણ જલારામ બાપાની કૃપા જ કહેવાય, ને? સમગ્ર શહેરીજનોએ સંત શિરોમણી પ. પૂ. જલારામ બાપાની શોભાયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પણ શોભાયાત્રામાં જોડાવાનો અલભ્ય લ્હાવો લીધો હતો.એકંદરે સાવરકુંડલા શહેરમાં જલારામ જયંતિ નિમિત્તે આયોજિત તમામ કાર્યક્રમો રાબેતા મુજબ ચાલી રહ્યા છે. આ સંદર્ભે સાવરકુંડલા લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ માધવાણી મેનેજિંગ ટ્રસ્ટી વિજયકુમાર વસાણી, ઉપપ્રમુખ રાજુભાઇ શીંગાળા, મંત્રી રાજુભાઈ નાગ્રેચા,  કારોબારી સભ્ય ભરતભાઈ ભૂપતાણી સમેત તમામે પ. પૂ. જલારામ બાપામાં અખંડ શ્રધ્ધા રાખી અને જલારામ જયંતિ મહોત્સવ આજરોજ વિશિષ્ટરીતે સંપન્ન થશે એવો દ્રઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સાંજે જલારામ મંદિરે આરતી રાત્રી ભોજન મહાપ્રસાદ અને સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે.

આમ ભજન અને ભોજન સાથે સત્સંગ જેવા કાર્યક્રમો દ્વારા સાવરકુંડલા શહેરે અનોખી જલારામ જયંતિની ઉજવણી કરી. બપોરના મહાપ્રસાદના લાભાર્થી માધવાણી પરિવાર અને રાત્રિના ભોજન રોટલો ડુંગળી કઢી ખીચડી સાથે સંભાર વગેરે ભોજન મહાપ્રસાદના લાભાર્થી શ્રી વિરદદાદા જસરાજ સેના ટ્રસ્ટ હતાં.

Related Posts