રાષ્ટ્રીય

દુનિયા વિકાસના મોડલ પર ફરી વિચાર કરે, ડ્રગ્સ-આતંકવાદ વિરુદ્ધ એક થાઓ: G20 સમિટમાં PM મોદીનું સંબોધન

G20 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાઉથ આફ્રિકા પહોંચ્યા હતા. 21થી 23 નવેમ્બર સુધી જોહ્નીસબર્ગમાં આ સંમેલન યોજાઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી20 સમિટના ઉદ્ઘાટન સત્રમાં ત્રણ મોટા પ્રસ્તાવ મૂક્યા છે. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું, કે છેલ્લા ઘણા દાયકાથી G20 દુનિયાની અર્થવ્યવસ્થાને આકાર આપવાનું કામ કરી રહ્યું છે. આજના વિકાસ મોડલે મોટા સમુદાયને સંશાધનથી વંચિત રાખ્યા. વિકાસના આ મોડલે પ્રકૃતિનું અંધાધૂંધ દોહન કર્યું. જેમી અસર આફ્રિકા અને ગ્લોબલ સાઉથ પર પડી છે. એવામાં હવે સમય આવી ગયો છે કે દુનિયાના વિકાસ મોડલ પર ફરી વિચાર કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમિટમાં એવી પરંપરાઓનો મુદ્દો ઉઠાવ્યો જે સદીઓથી દુનિયાના વિભિન્ન ભાગોમાં પ્રકૃતિ સંતુલન, સામાજિક એકતા અને સાંસ્કૃતિક સમરસ્તા જાળવી રાખે છે. તેમણે કહ્યું કે ભારતીય જ્ઞાન પ્રણાલીના આધારે એક વૈશ્વિક પારંપરિક જ્ઞાન ભંડાર પ્રણાલી બનાવવી જોઈએ જેથી ટકાઉ જીવન માટેના અનુભવ સંરક્ષિત કરી આગામી પેઢી સુધી પહોંચાડી શકાય. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આફ્રિકાનો વિકાસ સમગ્ર વિશ્વ માટે હિતકારી છે. એવામાં સ્કિલ્સ મલ્ટિપ્લાયર પ્રસ્તાવ હેઠળ ટ્રેનર્સને તૈયાર કરાશે. G20 દેશોના ફંડિંગથી આગામી 10 વર્ષમાં 10 લાખ ટ્રેનર તૈયાર કરાશે જે આગામી સમયમાં લાખો યુવાનોને સ્કિલ્સ શિખવાડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રગ્સ અને આતંકવાદના નેટવર્ક અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ફેન્ટાનીલ જેવા ડ્રગ્સ આરોગ્ય, સમાજ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની ચૂક્યા છે. G20 દેશોએ ડ્રગ્સ અને આતંકવાદનો મુકાબલો કરવા માટે સંયુક્ત અભિયાન ચલાવવું જોઈએ. 

નોંધનીય કે G20 સમિટ દરમિયાન પીએમ મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે પણ મુલાકાત કરી હતી. 

Related Posts