અમેરિકા દ્વારા ડિપોર્ટ કરાયેલ ગુજરાતના યુવાનોને હાથમાં હથકડી અને પગમાં બેડીઓ પહેરાવી સમગ્ર ગુજરાતીઓનું અપમાન કર્યું છે. – અમિત ચાવડા

• ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીયો સાથે થઇ રહેલ અપમાન, અત્યાચાર સામે ભાજપની ડબલ એન્જિન સરકાર કેમ ચુપ છે? – અમિત ચાવડા
• સરકારની નીતિઓના કારણે રોજગારનો અભાવ, ધૂંધળું ભવિષ્યને કારણે સારા ભવિષ્યની આશા સાથે લાખો રૂપિયા આપી ગુજરાતના યુવાનો વિદેશ જઈ રહ્યા છે. – અમિત ચાવડા
• ટ્રમ્પ સરકાર દ્વારા ગુજરાતીઓ ઉપર કરેલ અત્યાચાર અને અપમાનનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશું-સરકારનો જવાબ માંગીશું. – અમિત ચાવડા
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડાની આગેવાની હેઠળ કોંગ્રસ પક્ષના સાથી ધારાસભ્યશ્રીઓ સાથે ….
“વિદેશમાં ગુજરાતીઓ પર અત્યાચારોની ભરમાર, કેમ ચૂપ છે ડબલ એન્જિન સરકાર”
“ટ્રમ્પ કરે ગુજરાતીઓ પર અત્યાચારોની ભરમાર, કેમ ચૂપ છે ડબલ એન્જિન સરકાર”
“દેશની તિજોરીના પૈસે ટ્રમ્પ માટે માંગ્યા વોટ,
બદલામાં આપી ગુજરાતીઓને સ્વાભિમાનને ચોટ.”
“હાઉડી અને નમસ્તેના નામે તો ઘણી કરી ભાટાઇ,
હથકડી અને સાંકળમાં ગુજરાતની આબરૂ લજવાઈ”
જેવા સુત્રો સાથે વિધાનસભા પરિસર ખાતે હાથમાં હથકડી પહેરી વિરોધ કરવામાં આવ્યો શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી વિશ્વગુરુ બનવાના જે બણગા ફૂંકે છે એની સામે ગુજરાત અને દેશનો યુવાન જેને રોજગારી નથી મળતી, દેશમાં એનું ભવિષ્ય સુરક્ષિત નથી દેખાતું, એના સ્વપ્ન જે આ દેશમાં પુરા નહિ થાય એવા ડર સાથે ૭૫ લાખથી ૧ કરોડ રૂપિયા સુધીની રકમો આપીને ગેરકાયદેસર રીતે વિદેશની ધરતી પર જાય છે.
દેશના અને એમાં પણ વધુ ગુજરાતના યુવાઓ જે રીતે પોતાના સ્વપ્નો માટે અમેરિકા ગયા અને અમેરિકાની સરકારે ગેરકાયદેસર રીતે આવ્યા છે, રોકાયા છે એવી રીતે એમની ધરપકડ કરી, જાણે આતંકવાદી હોય તેવું તેમની સાથે વર્તન કરવામાં આવ્યું અને એથી પણ ખરાબ અને સૌના માટે શરમજનક બાબત છે કે આતંકવાદીઓની જેમ એમના હાથમા અને પગમાં હાથકડી અને બેડીઓ પહેરાવી, આર્મીના પ્લેનમાં જ્યાં ભોજનની વ્યવસ્થા ન હોય, સેનિટેશન માટેની વ્યવસ્થા ન હોય એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલ્યા. બીજી બાજુ કોલંબિયાના પ્રમુખે પોતાના દેશના લોકો જે ભલે ગેરકાયદેસર રીતે ગયા હતા પણ સ્વમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી. પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે છે, હાઉડી મોદી અને નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમો કરી પ્રજાના ટેક્ષના પૈસા બરબાદ કર્યા હતા એ વડાપ્રધાન જયારે અમેરિકા ગયા, ટ્રમ્પને ફરી ગળે મળ્યા, પણ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી.
વધુમાં શ્રી અમિત ચાવડા એ જણાવ્યું કે જયારે દેશનો યુવાન પોતાના સ્વપ્ન અહીં પુરા થતા ન હોવાથી, રોજગાર ન મળવાથી ગેરકાયદેસર રીતે લાખો રૂપિયા આપીને અમેરિકા ગયા પણ તેમની સાથે જે વર્તન થયું, જે રીતે એમને ડીપોર્ટ કરવામાં આવ્યા એ ગેરકાયદેસર રીતે ગયેલા લોકોનું અપમાન નથી પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે. આ ગુજરાતની ધરતી પરથી પણ અનેક લોકો આજે વિદેશમાં છે એમના પણ ભવિષ્ય માટે ખુબ ચિંતા એમના પરિવારો કરી રહ્યા છે તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી પણ એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી, દેશના વડાપ્રધાન કે ગુજરાતી છે એ પણ અમેરિકા જવા છતાં એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી એ એમની નબળાઈ બતાવે છે. આખો ભારત દેશ એમની આ નબળાઈને કારણે આજે શરમજનક સ્થિતિમાં છે. અમેરિકા દ્વારા, ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે હથકડીઓ પહેરાવી અપમાન કર્યું છે એનો જવાબ હિન્દુસ્તાનની જનતા, ગુજરાતની જનતા રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માંગી રહી છે.
Recent Comments