ગુજરાત

માનવજીવનમાં સ્વતંત્રતાથી મોટું કોઈ સુખ નથી અને પરતંત્રતાથી મોટું કોઈ દુઃખ નથી : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઃ ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓનું રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન કરાયુંરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગૌરવભેર ઉજવણી સંપન્ન

  • ‘મતદાન જેવું કંઈ નહીં, અમે મતદાન જરૂર કરીશું’ ની થીમ સાથે ઉજવણીઃ શ્રેષ્ઠ ચૂંટણી કામગીરી કરનાર અને મતદાર જાગૃતિ માટે શ્રેષ્ઠ કામ કરનાર સૌને પુરસ્કારો એનાયત કરાયા
  • ૦૩ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, ૦૧ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, ૦૧ મતદાર નોંધણી અધિકારીશ્રી, ૦૧ મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી, ૨૧ બુથ લેવલ ઑફિસર્સ, સ્પેશ્યલ કેટેગરીમાં ૦૩ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના ૦૬ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા
  • યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૪ના ૧૦ વિજેતા સ્પર્ધકોને પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા

૯૯ કરોડથી વધુ મતદાતાઓ ધરાવતા ભારતમાં આજે ૧૫ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે. ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ચૂંટણી તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, ભારત જેવા મહાન લોકતાંત્રિક રાષ્ટ્રમાં નાનામાં નાના નાગરિકના મતનું-અભિપ્રાયનું મૂલ્ય છે. લોકતંત્રથી આપણો દેશ દિવસો દિવસ વધુને વધુ સમૃદ્ધ બની રહ્યો છે. માનવજીવનમાં સ્વતંત્રતાથી મોટું કોઈ સુખ નથી અને પરતંત્રતાથી મોટું કોઈ દુઃખ નથી. શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ૯૯ કરોડથી અધિક મતદાતાઓવાળા આપણા દેશમાં જ્યાં છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં સરેરાશ ૬૫ ટકા જેટલું મતદાન થયું હોય તો પણ આપણા દેશમાં અડધા દિવસમાં ચૂંટણી પરિણામો મળી જાય છે. જ્યારે વિકસિત દેશોમાં પણ ચૂંટણી પરિણામો આવતાં દિવસો નીકળી જાય છે.

ગુજરાતમાં વર્ષમાં ચાર વખત મતદારયાદી સુધારણા કાર્યક્રમો થાય છે અને યુવા મતદારોને મતદાર યાદીમાં સમાવિષ્ટ કરાય છે. એટલું જ નહીં, આપણા દેશમાં ચૂંટણીઓ યોજાય ત્યારે દુનિયાના અનેક દેશોના પ્રતિનિધિઓ આપણી ચૂંટણી પ્રક્રિયાનો અભ્યાસ કરવા આવે છે. આશ્ચર્યચકિત કરી મુકનારી આ વ્યવસ્થા માટે તેમણે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરથી લઈને ચૂંટણી પ્રક્રિયામાં જાેડાયેલા નાનામાં નાના કર્મચારીને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ કહ્યું હતું કે, ભારત એક એવું લોકતાંત્રિક, સમૃદ્ધ રાષ્ટ્ર છે, જેમાં વિવિધ બોલીઓ, ભાષાઓ, વિસ્તારો, દુર્ગમ સ્થળો અને વિશાળ જનસંખ્યા છે. આપણી ચૂંટણી પ્રક્રિયાએ આખા વિશ્વમાં લોકોને અહેસાસ કરાવ્યો છે, લોકતંત્રથી આપણે દિવસો દિવસ વધુને વધુ સમૃદ્ધ બની સમૃદ્ધ રહ્યા છીએ.

આજે આપણે કેટલું સુખદ જીવન જીવી રહ્યા છીએ. દરેક વ્યક્તિને બોલવાની સ્વતંત્રતા છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. આ લોકતંત્રમાં છેવાડાનો માનવી પણ દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની યોગ્યતાનું પ્રદર્શન કરી શકે છે. આજે આપણે ભારતીય લોકતંત્રની સ્થાપના કરનાર મહાપુરુષોને નમન કરીએ અને અભિનંદન આપીએ કે, લોકોના કલ્યાણ માટે તેમણે આટલી સુંદર વ્યવસ્થા ઉભી કરી છે. ૧૫મા રાષ્ટ્રીય મતદાન દિવસ નિમિત્તે તમામ કર્મયોગીઓને અભિનંદન આપતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, તેમના કર્મયોગ અને લોકતંત્રને મજબૂત કરવા માટે તેમની મહેનત અને નિષ્પક્ષતા ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવામાં ખૂબ મોટું યોગદાન આપે છે. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ, મહેમાનો, મહાનુભાવો તથા યુવા મતદારોને રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તના શપથ લેવડાવ્યા હતા.

પ્રાસંગિક વક્તવ્ય આપતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, આજે આપણી લોકશાહીની વૈભવી પરંપરાને સુદ્રઢ કરવાનો મહત્વપૂર્ણ દિવસ છે. વિશ્વમાં સૌથી વધુ યુવા મતદાર ધરાવતા આપણા દેશમાં દરેક મત લોકતંત્રના માર્ગને પ્રશસ્ત કરે છે. આજના દિવસે આપણે સંવિધાનના આદર્શો અને આપણા રાષ્ટ્રને પરિભાષિત કરતા લોકતાંત્રિક સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ. રાજ્યના ચૂંટણી તંત્રની કામગીરી અંગે વાત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીએ જણાવ્યું કે, પાત્રતા ધરાવતા પ્રત્યેક નાગરિકને મતાધિકાર ઉપલબ્ધ કરાવવા ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે. હાઉસ ટુ હાઉસ સરવે અને ખાસ મતદાર નોંધણી શિબિરો થકી મતદાર યાદીને સતત અદ્યતન કરવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપે આજે રાજ્યમાં ૫.૦૩ કરોડ કરતાં વધુ મતદાતાઓ નોંધાયેલા છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા વિકસીત કરવામાં આવેલી વિવિધ આઈ.ટી. ઍપ્લિકેશન્સ થકી ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શી અને સુલભ બની છે. આ પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી એ ઈલેક્ટોરલ બેસ્ટ પ્રેક્ટીસીઝ તથા યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૪માં વિજેતા થનાર તમામને અભિનંદન પણ પાઠવ્યા હતા. સાથે જ લોકતંત્રમાં સક્રિયા ભાગીદારી માટે તમામ મતદાતાઓને આહ્વાન પણ કર્યું હતું. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ચૂંટણી પ્રક્રિયામાં નિષ્ઠાપૂર્વક અને સમર્પિતપણે કામગીરી બદલ જિલ્લા ચૂંટણી તંત્ર અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના અધિકારીઓ – કર્મચારીઓને પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

જેમાં ૦૩ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, ૦૧ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, ૦૧ મતદાર નોંધણી અધિકારીશ્રી, ૦૧ મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી, ૨૧ બુથ લેવલ ઑફિસર્સ, સ્પેશ્યલ કેટેગરીમાં ૦૩ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના ૦૬ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૪માં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર ૧૦ સ્પર્ધકોને પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમારનો વિડીયો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતના ચૂંટણી પંચના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી એ.કે. જાેતિ, રાજ્ય ચૂંટણી પંચના પૂર્વ ચૂંટણી કમિશનર શ્રી સંજય પ્રસાદ, રાજ્ય ચૂંટણી પંચના કમિશનર શ્રી એસ. મુરલીક્રિશ્ન, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી એ.બી. પટેલ, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી એમ. કે. દવે ઉપરાંત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી તથા જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ -કર્મચારીશ્રીઓ, કેમ્પસ એમ્બેસેડર્સ તથા મોટી સંખ્યામાં યુવા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts