ગુજરાત

‘5 નવેમ્બરથી ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત્’, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદનો માર યથાવત્ છે. ખેડૂતોના પાક પર પાણી ફરી વળતાં ભારે નુકસાન થયું છે. જેની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ અસર વર્તાઈ રહી છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં હજુ 4 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMDએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને 30-40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે આગામી 5 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત્ હોવા અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન વિભાગ મુજબ, આગામી 2-3 નવેમ્બર દરમિયાન રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે.આગામી 4-5 નવેમ્બરના રોજ અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત 20થી વધુ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Related Posts