ગુજરાત

વસ્ત્રાપુર હાટ, અમદાવાદ ખાતે યોજાઇ રહ્યો છે ત્રિદિવસીય બાગાયત ખેડૂત હાટ ૨૦૨૫

બાગાયત ખેડૂત હાટમાં ૧૦૦ જેટલા સ્ટોલ્સ પર બાગાયત, ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન સહ વેચાણ
નાયબ બાગાયત નિયામક,અમદાવાદ દ્વારા વસ્ત્રાપુર હાટ, અમદાવાદ ખાતે બાગાયત ખેડૂત હાટ -૨૦૨૫ યોજાઈ રહ્યો છે. ૧૨ માર્ચ સુધી યોજાનાર ત્રિદિવસીય બાગાયત ખેડૂત હાટમાં રાજ્યભરના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, બાગાયાતદારો ભાગ લઈ રહ્યા છે. ૧૦૦ જેટલા સ્ટોલ્સ પર બાગાયત, ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન સહ વેચાણ ઉપલબ્ધ રહેશે.

બાગાયત ખેડૂત હાટ -૨૦૨૫માં પ્રાકૃતિક બાગાયત ઉત્પાદનો, મૂલ્યવર્ધીત બાગાયતી પેદાશો, ટેરેરીયમ, માઇક્રોગ્રીન્સ, શહેરી ખેતીમાં ઉપયોગી સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ સાથે સંકળાયેલા ખેડૂતો અને સંસ્થાઓ ભાગ લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાગાયત ખેડૂત હાટમાં રાજ્યના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પન્ન થયેલ ફળ અને શાકભાજીનું વેચાણ, સામાન્ય રીતે પકવેલ ફળ અને શાકભાજીનું વેચાણ, મૂલ્યવર્ધીત બાગાયતી પેદાશો(જેવી કે જામ,જેલી,શરબત,અથાણાં, કેચઅપ વિગેરે), ગૃહ ઉદ્યોગ અંગેની ફૂડ પ્રોસેસિંગ મશીનરીનું નિદર્શન, શહેરી ખેતીમાં ઉપયોગી સામગ્રી ( કુંડા, રોપા, કોકોપીટ, સાધનો, ગ્રો બેગ વિગેરે)નું પ્રદર્શન અને વેચાણ યોજાઈ રહ્યું છે. આ ઉપરાંત, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને બાગાયત કૃષિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. મુલાકાતીઓને વિવિધ લાઇવ બાગાયતી પેદાશો પણ જાેવા મળશે.

બાગાયત હાટમાં ભાગ લઈ રહેલા આરણ્ય ક્રાફટ્સના કૃપા શાહ જણાવે છે કે, તેઓ ટેરેરીયમ તરીકે ઓળખાતી નવીન બાગાયતી પેદાશ બનાવે છે. ટેરેરીયમ તરીકે ઉગાડાતી વનસ્પતિને પાણી, સૂર્યપ્રકાશ કે ખાતરની જરૂર પડતી નથી. આ નવીન ટેકનિકથી ઉગાડેલી પેદાશો શો-પીસ તરીકે ઉપયોગી નીવડે છે. વિદેશોમાં મેન્ટલ પીસ અને થેરાપી માટે પણ ટેરેરીયમનો ઉપયોગ થાય છે.

બાગાયત હાટમાં સ્ટોલ ધરાવનારા માઇક્રોગ્રીન્સના અદિતિ માલી પણ બાગાયત અને શહેરી ખેતીમાં નવીન પેદાશ ગણાતી માઇક્રોગ્રીન્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે. તેઓ જણાવે છે કે, માઇક્રોગ્રીન્સની ઓછી માત્રામાં વિપુલ પ્રમાણમાં પોષકતત્વો મળી રહેતા હોય છે. શહેરીજનોમાં વિવિધ ફૂડ આઈટમ્સમાં માઇક્રોગ્રીન્સનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે બાગાયત ખેડૂત હાટ જેવા આવા ઉપક્રમો નવીન બાગાયતી ખેતપેદાશોથી શહેરીજનોને રૂબરૂ કરાવશે અને હેલ્ધી ફૂડ પ્રત્યે જાગૃતિ લાવવામાં મદદરૂપ બનશે.

બનાસકાંઠાના દાંતાથી આવેલા એસ.કે.ફાર્મના શાકીરખાન પઠાણ જણાવે છે કે તેઓ છેલ્લાં ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ ઓર્ગેનિક અને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરીને અનાજ, શાકભાજી અને ફળ પાકોનું ઉત્પાદન કરે છે.
શાકીરખાન પઠાણ જણાવે છે કે તેમને સ્થાનિક રીતે વધુ ગ્રાહકો મળતા નથી હોતા. બાગાયત હાટ જેવા આવા ઉપક્રમોના લીધે અમે ગ્રાહકો અને માર્કેટ સાથે સીધા કનેક્ટ થઈ શકીએ છીએ, જેનો લાભ અમને મળે છે. સાથે જ, તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા જણાવે છે કે શરૂઆતના વર્ષોમાં પ્રાકૃતિક ખેતીમાં ઓછું ઉત્પાદન રહે છે, પરંતુ ૨-૩ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા અને ભેજશોષણ ક્ષમતા વધતા ઉત્પાદન વધે છે.
શહેરીજનો સવારે ૧૦-૦૦ થી રાત્રિના ૦૯-૦૦ કલાક સુધી વસ્ત્રાપુર હાટ, અમદાવાદ ખાતે આ વેચાણ કમ પ્રદર્શન મેળો માણી શકાશે.

Follow Me:

Related Posts