અમરેલી

ત્રણ પેઢીનો પદયાત્રા સંગમ:કલ આજ ઔર કલ. સાવરકુંડલામાં ‘વોક ફોર હર’ અભિયાન અંતર્ગત આકર્ષણનું કેન્દ્ર બની ૪ વર્ષની બાળા

ગઈકાલ, આજ અને આવતીકાલનો કેવો અનોખો સંગાથ છે,

પરિવાર આખો ચાલ્યો એવો અનોખો આ ઠાઠ છે.

​નાના કદમથી આખું શહેર એણે માપી લીધું,

તંદુરસ્તી કાજે જાગૃતિનો આપ્યો એણે પાઠ છે.

–“પાંધી સર”

શહેરના આંગણે આજે સ્વાસ્થ્ય અને નારી શક્તિના સન્માનનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા આશીર્વાદ ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા આયોજિત ‘વોક ફોર હર-૨૬’ અભિયાનમાં સાવરકુંડલાના રાજમાર્ગો પર જનસૈલાબ ઉમટ્યો હતો. આ ૫૦૦૦ કદમની પદયાત્રામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ‘કલ, આજ ઔર કલ’નું અદભૂત સંયોજન રહ્યું હતું.

​શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રસિકભાઈ વેકરિયા પરિવારની માત્ર ચાર વર્ષની પૌત્રી જ્યારે પોતાના મમ્મી સાથે ખભેખભા મિલાવીને ૫૦૦૦ કદમ ચાલી, ત્યારે જોનારા સૌ કોઈ દંગ રહી ગયા હતા. આ પદયાત્રામાં દાદા (પ્રથમ પેઢી), પુત્રવધૂ (બીજી પેઢી) અને પૌત્રી (ત્રીજી પેઢી) એમ ત્રણ પેઢીઓ એકસાથે સ્વાસ્થ્યના શિબિરે ચાલતી જોવા મળી હતી. આ નાનકડી બાળાએ સમગ્ર શહેરને વીંધીને જે ઉત્સાહ બતાવ્યો તે સાવરકુંડલાના નાગરિકો માટે તંદુરસ્તીનો પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે. વેકરિયા પરિવારની આ જાગૃતિ ખરેખર બિરદાવવા લાયક છે.

પત્રકાર બિપીનભાઈ પાંધીએ આ પરીવારને બિરદાવતા જણાવ્યું હતું કે તંદુરસ્ત સમાજ તો જ બને જ્યારે બાળપણથી જ તંદુરસ્તી માટેની ભાવના જાગૃત થાય.. અને આ પરીવારે તે સાબિત કરી દીધું છે. 

Related Posts