ગુજરાત

ગુજરાતમાં વાઘનું પુનરાગમન! દાહોદના રતનમહાલના જંગલમાં કેમેરામાં કેદ થયો ટાઇગર

ગુજરાતમાં વાઘની હાજરી લુપ્ત થયાના લાંબા સમય બાદ ફરી એકવાર રાજ્યના વન વિભાગ અને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ અભ્યારણ્યના જંગલમાં એક નર વાઘ કેમેરામાં કેદ થતાં તેના પુનરાગમનના સત્તાવાર પુરાવા મળ્યા છે. રાજ્યના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રતનમહાલના જંગલમાં લગાવેલા ટ્રેકર કેમેરામાં આ વાઘ સ્પષ્ટપણે દેખાયો છે. વાયરલ થયેલા એક વીડિયોમાં આ નર વાઘ અભ્યારણ્યમાં બનાવવામાં આવેલા ‘બાથ ટબ’માં આરામ ફરમાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.ગુજરાતમાં વાઘની હાજરી છેલ્લે 2019માં સત્તાવાર રીતે પુષ્ટિ થઈ હતી, જ્યારે મહીસાગર જિલ્લામાં ટ્રેકર કેમેરામાં તે કેદ થયો હતો. 6 વર્ષના લાંબા ગાળા બાદ હવે દાહોદની સરહદ નજીક આવેલા રતનમહાલમાં વાઘ દેખાતા રાજ્યમાં ફરી વાઘના વધામણાં થયા છે. જોકે, 2022માં પણ વાઘ દેખાયાના અટકળો અને દાવાઓ થયા હતા, પરંતુ આ વખતે પુરાવા સાથેની પુષ્ટિ મળી છે.વન વિભાગ આ વાઘની હાજરી બાદ સતત મોનિટરિંગ કરી રહ્યું છે. મંત્રીએ માહિતી આપી કે, વાઘની નેચરલ ખાવાની આદતને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વાઘને પૂરતી સુવિધાઓ મળી રહે અને તેને કોઈ ડિસ્ટર્બન્સ ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે.જો આ વાઘ રતનમહાલના જંગલમાં કાયમી વસવાટ કરે તો આ અભયારણ્યને રાષ્ટ્રીય સ્તરે એક નવી અને મોટી ઓળખ મળી શકે છે, જેનાથી રાજ્યના વન્યજીવ સંરક્ષણ પ્રયાસોને મોટું બળ મળશે.

Related Posts