અમરેલી

ખાંભાના  બારમણ ગામ ખાતે તૂટી પડેલ પાણીની ટાંકી અંગે યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી માંગ કરતા ટીકુભાઇ વરૂ

સવિનય રજુઆત છે કે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના બારમણ ગામે વર્ષ 2015માં બનાવવામાં આવેલી સરકારી પાણીની ટાંકી હાલમાં તૂટી પડતાં રોડ પર ભારે પ્રમાણમાં પાણી, પથ્થરો અને સિમેન્ટના પોપડા ફેલાઈ ગયા હતા. સદનસીબે ઘટનાના સમયે કોઈ લોકો સ્થળ પર હાજર ન હોવાથી કોઈ જાનહાની ટળી છે.

પરંતુ માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં આટલી મોટી ટાંકી તૂટી જવી એ ગંભીર બાબત છે. આથી આવું નિર્માણ કાર્ય કેટલું ગુણવત્તાવાળું હતું તે અંગે ગંભીર શંકા ઊભી થાય છે. નિર્માણ સમયે જરૂરી તકનિકી ધોરણો, મિશ્રણ અને માવજતના પ્રમાણોનું પાલન થયું કે નહીં તે તપાસ કરવાની જરૂર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ટાંકીમાંથી બારમણ ઉપરાંત લોર, પીછડી, માણસા સહિતના ગામોમાં પણ પાણી પહોંચાડવામાં આવતું હતું. હાલ આ ગામોને પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક અધિકારીઓની અવારનવાર મુલાકાતો છતાં પણ ટાંકીની જર્જરિત સ્થિતિ અંગે કોઈ નોંધ, રીપોર્ટ કે નિવેદન જાહેર થયું ન હોવાથી તેમની ભૂમિકા પણ તપાસ હેઠળ આવવી જોઈએ.

અમે કોંગ્રેસ પક્ષ તરફથી આપશ્રીને આ સવિનય રજૂઆત કરીએ છીએ કે:

1. તૂટી ગયેલ ટાંકીના મુદ્દે તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરાવવામાં આવે.

2. નિર્માણ અને દેખરેખ માટે જવાબદાર સંસ્થાઓ અથવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

3. તાત્કાલિક નવી ટાંકી નિર્માણનું આયોજન કરી અસરગ્રસ્ત ગામો માટે સતત અને યોગ્ય પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે.

આ મામલો નાગરિકોની સુરક્ષા અને જનહિત સાથે જોડાયેલો છે. તેથી આપશ્રી તાત્કાલિક ધ્યાન આપી યોગ્ય પગલાં લેશો એવી અપેક્ષા રાખી શકાય.

Related Posts