પ્રાકૃતિક કૃષિ એ ઉજ્જવળ ભવિષ્ય માટેનો માર્ગ છે. અમરેલી જિલ્લામાં બહેનો હવે ‘કૃષિ સખી’ બની પ્રાકૃતિક કૃષિના અભિયાનને આગળ ધપાવશે. આ સાથે ભાઈઓ પણ કોમ્યુનિટી રિસોર્સ પર્સન તરીકે જોડાઈને પ્રાકૃતિક કૃષિની મુહિમને વધુ વેગવાન બનાવશે.
નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ અંતર્ગત ત્રણ ગામોનું એક ક્લસ્ટર બનાવવામાં આવ્યું છે. આ ત્રણ ગામો માટે એક બહેન કૃષિ સખી તરીકે અને એક ભાઈ કોમ્યુનિટી રિસોર્સ પર્સન કાર્ય કરશે. કોમ્યુનિટી રિસોર્સ પર્સન ગામડાઓમાં પ્રાકૃતિક કૃષિના તાલીમના આયોજનમાં મદદરુપ બનશે. ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયત સાથે સંકલનમાં રહીને ગામના મંદિર, શાળા, મંડળી, પંચાયત કે અન્ય જગ્યા સહિત જાહેર સ્થળોએ પ્રાકૃતિક કૃષિનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. આ માટે કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સનને નિયત માનદવેતન પણ ચૂકવવામાં આવશે. આમ, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ તેજી આપશે.
કૃષિ સખી બનવા માટે બહેનો ધોરણ ૭ પાસ, સખી મંડળના સભ્ય, પોતાની ખેતી અને પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા હોવા જોઈએ તેવી જ રીતે કોમ્યુનિટી રિસોર્સ પર્સન બનવા માટે ભાઇઓ પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવવાની સાથે પોતાની જમીન અને સાત ધોરણ ૭ પાસ હોવા જોઈએ. આમ, કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન બનવા લાયકાત ધરાવનારે અમરેલી જિલ્લા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્મા પ્રોજેકટ કચેરી અથવા તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી આત્મા પ્રોજેક્ટ મેનેજરશ્રીનો સંપર્ક કરવો.
ઉલ્લેખનીય છે કે, નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ અંતર્ગત જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવા માટે ૪૫ થી વધુ બહેનોને કૃષિ સખી બનવા માટે પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોની તાલીમ આપવામાં આવી છે.
પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા અને ઉત્સાહી ભાઈઓ – બહેનોને કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન તરીકે જોડાવવા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી મહેશ ઝીડ અને ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી દિલીપ ચાવડા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments