ભાવનગર

ઝેરમુક્ત પ્રાકૃતિક કૃષિ: ધરતી માતાના સ્વાસ્થ્યથી માનવ અસ્તિત્વ સુધી

આજે માનવજાત વિકાસની દોડમાં એટલી આગળ વધી ગઈ છે કે તેણે પ્રકૃતિના સંતુલનને ગંભીર
રીતે ખોરવી નાખ્યું છે. જમીન, પાણી અને હવામાં વ્યાપેલું પ્રદૂષણ હવે માત્ર પર્યાવરણની સમસ્યા નથી
રહ્યું, પરંતુ માનવ અસ્તિત્વ માટે સીધી ચેતવણી બની ગયું છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં અંધાધૂંધ રસાયણિક
ખાતરો અને ઝેરી દવાઓના ઉપયોગે જમીનનું સ્વાસ્થ્ય બગાડ્યું છે, જેના કારણે ઉગતું અન્ન પોષકતત્વ
વિહીન અને ઝેરયુક્ત બની રહ્યું છે.
વૈદિક સંસ્કૃતિએ ધરતીને “માતા” અને ગાયને “ગૌમાતા” તરીકે પૂજનીય સ્થાન આપ્યું છે. આ માત્ર
ધાર્મિક માન્યતા નથી, પરંતુ ગહન વૈજ્ઞાનિક સત્ય છે. ધરતીનું સ્વાસ્થ્ય અને ગૌમાતાનું સંરક્ષણ પરસ્પર
અવિભાજ્ય રીતે જોડાયેલા છે. માણસ ત્યાં સુધી જ જીવી શકે છે જ્યાં સુધી ધરતી જીવંત અને સ્વસ્થ રહે.
ઇતિહાસ સાક્ષી છે કે જમીનની ઉર્વરાશક્તિ નષ્ટ થતાં અનેક મહાન સંસ્કૃતિઓનો વિનાશ થયો છે. આજની
સ્થિતિ પણ એ જ દિશામાં સંકેત આપી રહી છે.
રસાયણિક ખેતીથી ઉદભવેલી સમસ્યા
હરીત ક્રાંતિ પછી ઉત્પાદન વધારવાના નામે રસાયણિક ખાતરો, કીટનાશકો અને જંતુનાશકોનો
બેફામ ઉપયોગ થયો. શરૂઆતમાં ઉપજ વધી, અને એ સમયે ઉત્પાદન વધારવામા માટે રાસાયણિક
ખાતરનો ઉપયોગ જરૂરી હતો, પરંતુ લાંબા ગાળે જમીનની જીવંતતા નષ્ટ થઈ ગઇ. જમીનમાં રહેલા
સૂક્ષ્મજીવો, અળસિયા અને ઉપયોગી બેક્ટેરિયા નાશ પામ્યા. જેના પરિણામે જમીન “મરી ગયેલી” બની ગઈ

અને ખેડૂત વધુ ખાતર પર આધારિત બન્યો. આ દુષ્ચક્રે ખેતી ખર્ચ વધાર્યો, આરોગ્ય જોખમમાં મૂક્યું અને
પર્યાવરણને પણ પારાવાર નુકસાન પહોંચાડ્યું છે.
આ સંકટમાંથી બહાર આવવાનો એકમાત્ર ટકાઉ માર્ગ છે – પ્રાકૃતિક કૃષિ. પ્રાકૃતિક કૃષિ એ માત્ર
ખેતી પધ્ધતિ નહીં, પરંતુ જીવનશૈલી છે. તેમાં કુદરતના નિયમો સાથે સંઘર્ષ નહીં પરંતુ સહકાર રાખવામાં
આવે છે. જમીનને જીવંત રાખવી, તેમાં રહેલા સૂક્ષ્મજીવોને સક્રિય કરવું અને કુદરતી રીતે પોષક તત્વોનું
ચક્ર ચલાવવું – આ પ્રાકૃતિક કૃષિનું મૂળ તત્વ છે.
પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયનું મહત્વ કેન્દ્રસ્થાને છે. દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનેલા
જીવામૃત, ઘનજીવામૃત જેવા દ્રાવણો જમીનમાં જીવંતતા લાવે છે. આ પદાર્થો જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોને
સક્રિય કરે છે, જેના કારણે પોષક તત્વો સ્વાભાવિક રીતે ઉપલબ્ધ થાય છે.
પ્રાકૃતિક કૃષિમાં અળસિયાની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર, દેશી
અળસિયા જમીનમાં નાઈટ્રોજનના સ્થિરીકરણમાં મહત્વનો ફાળો આપે છે. શ્રી સુભાષ પાલેકરજીના અનુમાન
મુજબ, એકલાં અળસિયાથી એક એકર જમીનમાં આશરે ૨૧૪ કિ.ગ્રા. નાઈટ્રોજનનું સ્થિરીકરણ થાય છે. સહ
પાક તરીકે લેવાતા કઠોળ પાકો પણ આ પ્રક્રિયામાં મદદરૂપ બને છે.
પ્રાકૃતિક રીતે વિકસિત એક એકર જમીનમાં ૮થી ૧૦ લાખ અળસિયા રાત-દિવસ મજૂરોની જેમ
કામ કરે છે. તેઓ માટી ખાય છે, તેને ઢીલી કરે છે, હવા અને પાણીનો પ્રવાહ સુધારે છે અને જમીનની
ભૌતિક રચનામાં નોંધપાત્ર સુધારો કરે છે. દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની સુગંધ અળસિયાઓને આકર્ષે
છે, જેના કારણે તેમની સંખ્યામાં કુદરતી રીતે વધારો થાય છે.
વર્મી કમ્પોસ્ટ અંગે સાવચેતી રાખવી જરૂરી
આજે સજીવ ખેતીમાં મોટા પ્રમાણમાં વપરાતા વર્મી કમ્પોસ્ટમાં ઉપયોગ થતા વિદેશી અળસિયા
(આઈસેનીયા ફોટિડા) જમીનની ઊંડાણમાં જઈ શકતા નથી. તેઓ માત્ર છાણ અને કચરો ખાય છે, માટી
નહીં. વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે આ અળસિયાના મળમાં હેવી મેટલ્સનું પ્રમાણ વધુ હોઈ શકે છે. તેથી
પ્રાકૃતિક કૃષિમાં દેશી અળસિયાઓ અને કુદરતી પ્રક્રિયાઓ પર આધાર રાખવો વધુ સલામત અને ટકાઉ છે.
ઝેરમુક્ત પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતીની પધ્ધતિ નથી, પરંતુ માનવ અને પ્રકૃતિ વચ્ચેના તૂટેલા
સંબંધને ફરીથી મજબૂત કરવાની ચળવળ છે. ધરતીને બચાવવી એટલે ભવિષ્યની પેઢીઓને બચાવવી. હવે
સમય આવી ગયો છે કે આપણે રસાયણિક લાલચ છોડીને કુદરતના માર્ગે પાછા ફરીએ. પ્રાકૃતિક કૃષિ
અપનાવીને જ આપણે સ્વસ્થ જમીન, પોષક અન્ન અને સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરી શકીશું.

Related Posts