ગુજરાત

બોડેલી નજીક અલીપુરા ચાર રસ્તા પાસે કરુણાંતિકા: પતંગના ઘાતક દોરાએ બાઈક ચાલકનો ભોગ લીધો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી ડભોઇ તરફ જતા માર્ગ પર આવેલ અલીપુરા ચાર રસ્તા પાસે આજે એક અત્યંત દુઃખદ અને ગમખ્વાર ઘટના સામે આવી છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકના ગળામાં અચાનક પતંગનો દોરો ફસાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાઈક ચાલક જગદીશભાઈ તરબદા પોતાના બાઈક પર સવાર થઈ અલીપુરા ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તા પર લટકતો પતંગનો ઘાતક દોરો અચાનક તેમના ગળામાં ફસાઈ ગયો હતો. બાઈકની સ્પીડમાં હોવાથી દોરાએ ગળાના ભાગે ઊંડો ઘા કરી દીધો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું.ઘટના બાદ તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ફસડાઈ પડ્યા હતા. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં જગદીશભાઈને તાત્કાલિક નજીકની એક ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જોકે, ગળાની ઈજા ખૂબ ગંભીર હોવાથી અને અતિશય લોહી વહી ગયું હોવાથી સ્થાનિક હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. વડોદરા ખાતે હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ ગંભીર ઇજાઓના કારણે તેમણે સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો.આ ગમખ્વાર ઘટનાને પગલે ડભોઇ રોડ પર અને સમગ્ર બોડેલી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ પેદા કર્યો છે.

ખાસ કરીને, ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર કડક નિયંત્રણ રાખવાની માંગ ફરી એકવાર પ્રબળ બની છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પ્રતિબંધ હોવા છતાં ઘાતક દોરીનો ઉપયોગ થઈ રહ્યો છે, જે નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યો છે. પ્રશાસન દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Related Posts