અમરેલી

અમરેલી જિલ્લાની નગરપાલિકા અને તાલુકા મથકે તિરંગાયાત્રાનું આયોજન

અમરેલીતા.૧૧ ઓગસ્ટ,૨૦૨૫ (સોમવાર) અમરેલી શહેરની સાથે જિલ્લાભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે જિલ્લાની નગરપાલિકા અને તાલુકા મથકે ભવ્ય તિરંગાયાત્રા યોજાશે.

જિલ્લાના વિવિધ સ્થળો પર યોજાનાર આ યાત્રામાં, પદાધિકારીશ્રી – અધિકારીશ્રી,પોલીસ અને હોમગાર્ડ જવાનો, ઘોડેસવારો, વિદ્યાર્થીઓ, વેપારી અને નાગરિકો સહિત સૌ કોઈ તિરંગા સાથે ઉત્સાહભેર જોડાશે અને રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરશે.

તા.૧૨ ઓગસ્ટે સવારે ૮ કલાકે અમરેલી કમાણી ફોરવર્ડ હાઇસ્કુલ મેદાન ખાતે તિરંગા યાત્રા પ્રસ્થાન થશે, જે નાગનાથ મંદિર, ડૉ.જીવરાજ મહેતા ચોક, ટાવર રોડ, હવેલી ચોક, જિલ્લા લાઇબ્રેરી, નગરપાલિકા કચેરી, ગર્લ્સ હાઇસ્કુલથી સેન્ટર પોઇન્ટ થી ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે  પરત ફરી તિરંગા યાત્રાનું સમાપન થશે.

તા.૧૨મીએ સવારે ૧૦.૩૦ કલાકે બગસરા શ્રી ઝવેરચંદ મેઘાણી હાઇસ્કુલથી તિરંગા યાત્રા પ્રસ્થાન થશે, જે વિજય ચોક, ગોંડલીયા ચોક, સરકારી દવાખાના રોડ થી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ સુધી યોજાશે.

તા.૧૨મીએ સાંજે ૪.૩૦ કલાકે દામનગર એમ. સી. મેહતા હાઈસ્કૂલ થી સરદાર ચોક થી વૈજનાથ ચોકથી નગરપાલિકા સુધીની તિરંગા યાત્રા યોજાશે.

તા.૧૨મીએ સવારે ૯ કલાકે બાબરા તાપડીયા આશ્રમથી કલાલ ચોક થી નાગરિક બેંક ચોકથી શહીદ ચોક સુધી તિરંગા યાત્રા યોજાશે.

તા.૧૩-૦૮-૨૦૨૫ના રોજ સાંજે ૪ કલાકે લાઠી ખાતે લાઠી બસ સ્ટેન્ડ, ભવાની સર્કલથી સ્ટેશન રોડ થઈ ચાવંડ ગેટ સુધી અને રાજુલામાં તા.૧૩મી એ સવારે ૧૧ કલાકે માર્કેટ યાર્ડથી ટાવર, મેઈન બજાર થી નીચલી બજાર સુધી તિરંગા યાત્રા યોજાશે.

તા.૧૪ ઓગસ્ટ સાંજે ૪.૩૦ કલાકે ચલાલા ખાતે ભીમનાથ મહાદેવ થી મેઇન બજાર, તીલક ચોક, દાન બાપુની જગ્યા, નવા પરા, સાવરકુંડલા રોડ થી નગરપાલિકા સુધી તિરંગા યાત્રા યોજાશે.

આ ઉપરાંત જિલ્લાના સાવરકુંડલા, ધારી અને જાફરાબાદમાં તા.૧૧ ઓગસ્ટે તિરંગા યાત્રાયોજવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક નાગરિકો તિરંગો લહેરાવી પોતાના રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરશે.

હર ઘર તિરંગા અભિયાનની સાથે હર ઘર સ્વચ્છતાની થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ વિસ્તાારોને સ્વચ્છ અને સુઘડ બનાવવા નાગરિકો જાગૃત બને તે ઉદ્દેશ્ય છે.

Related Posts