ભાવનગર

ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની શૃંખલા બદ્ધ ઉજવણી: પ્રાકૃતિક ખેતી અને ટેકનોલોજી પર અપાયું ભાર

ભાવનગર: રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર જિલ્લાના વિવિધ ક્લસ્ટરોમાં પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહુવા તાલુકાનાં ખડસલિયા, માળવાવ, મોણપર અને અમરેલીના જિલ્લાના સા.કુંડલા તાલુકાના દાધિયા ખાતે કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં આશરે ૪૦૦ થી વધુ ખેડૂત ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

        આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) સણોસરા ના કૃષિ નિષ્ણાત જગદીશભાઇ કંટારીયા દ્વારા ડુંગળી અને ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ વિશે માર્ગદર્શન અપાયું હતું. પિડિલાઇટના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. રવિ પાટીલ દ્વારા નાળિયેરમાં જીવાત નિયંત્રણ અને અઝોલાના ફાયદાઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. સાથે જ પિડિલાઇટ દ્વારા બનાવવામાં આવેલ સરકારી યોજના સમૂહ ‘સાથવારો’ પોર્ટલ, FPO (ખેડૂત ઉત્પાદક સંગઠન) ના ફાયદા, પાણી સંગ્રહ અને વ્યવસ્થાપનની ટેક્નિક, પ્રાકૃતિક ખેતી, ડુંગળીની બાયો-ઇનપુટ કીટ અને સામૂહિક માર્કેટિંગ દ્વારા પાકના વધુ સારા ભાવ મેળવવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ અને તાલુકા ખેતીવાડી શાખા દ્વારા સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને તેમને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાનો હતો.

        આ પ્રસંગે ગુજરાત પ્રકૃતિક કૃષિના સંયોજક પ્રફુલભાઇ સેંજલિયા, સનાતન ગૌ સેવા આશ્રમના પૂજ્ય ઓમરામ બાપુ, પ્રાકૃતિક ખેતીના પ્રચારક રોહિતભાઈ ગોટી, ગીરગંગા ટ્રસ્ટના રમેશભાઈ ધાણાણી , પીડીલાઇટ માથી રાજેશભાઈ પટેલ, સુભાષભાઈ યાદવ અને ખેતીવાડી ટીમ હાજર રહ્યા હતા.

Related Posts