અમરેલી

સાવરકુંડલામાં પૂ. ઉષામૈયાના ૮૭માં જન્મદિને સદ્દભાવના ગ્રુપ દ્વારા સેવાનો ત્રિવેણી સંગમ: ૧૮૯ બોટલ રક્ત એકત્રિત ૧૦૭મો રક્તદાન કેમ્પ અને ભવ્ય રક્તતુલાનું આયોજન

ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને સંતોની ગૌરવવંતી ઉપસ્થિતિ; ગૌ-શાળા માટે રૂ. ૫૧,૦૦૦ની રાશિ અર્પણ કરાઈ

સાવરકુંડલામાં છેલ્લા ૨૪ વર્ષથી નિઃસ્વાર્થ લોકસેવા પ્રવૃત્તિઓ ચલાવતા ‘સદ્દભાવના ગ્રુપ’ દ્વારા પરમ પૂજ્ય ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ, કાનાતળાવ) ના ૮૭માં પાવન જન્મદિન નિમિત્તે સેવાનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો. રવિવારે લોહાણા મહાજન વાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રક્તદાન, ગૌ-સેવા અને આરોગ્ય સેવાના સમન્વય સાથે ભવ્ય રક્તતુલા અને ૧૦૭મો મહારક્તદાન કેમ્પ સંપન્ન થયો હતો.

૧૮૯ બોટલ રક્ત અને રક્તતુલા:

અમરેલી જિલ્લામાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કે. કે. મહેતા ગવર્મેન્ટ હોસ્પિટલ (સાવરકુંડલા બ્લડ સેન્ટર) અને વેદ વોલન્ટરી બ્લડ બેન્કના સહયોગથી આયોજિત આ કેમ્પમાં કુલ ૧૮૯ બોટલ રક્ત એકત્રિત થયું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પૂજ્ય ઉષામૈયાની ભવ્ય રક્તતુલા રહી હતી. બહેનો માટે રક્તદાનની અલગ વ્યવસ્થા રાખવામાં આવતા મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક રક્તદાતાને સંસ્થા તરફથી ૩ આકર્ષક સરપ્રાઈઝ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

રક્તદાનની સાથે ‘મહાદેવ હેલ્થ કેર’ દ્વારા વિનામૂલ્યે કાંસ્ય મસાજ થેરાપી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ૨૪૬ નાગરિકોએ લાભ લીધો હતો. આ તકે ગત ધુળેટી પર્વે એકત્રિત થયેલ રૂ. ૫૧,૦૦૦ની રાશિ પૂજ્ય ઉષામૈયાના આશ્રમની ગાયોના ઘાસચારા માટે અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે પૂજ્ય ભક્તિરામ બાપુ, ઘનશ્યામ બાપુ અને કરસનગીરી બાપુએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઇ રવાણી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી સદ્દભાવના ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

ઉલ્લેખનીય છે કે સદ્દભાવના ગ્રુપ છેલ્લા ૨૪ વર્ષથી વર્ષના ૩૬૫ દિવસ ૨૪ કલાક આઠ અલગ-અલગ ઇમર્જન્સી હેલ્પલાઇન દ્વારા સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી રહ્યું છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સદ્દભાવના ગ્રુપના તમામ સભ્યો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related Posts