ડોનાલ્ડ ટ્રમ્પની તાનાશાહી વૃત્તિ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન વિશ્વને અસ્થિર ભવિષ્ય તરફ ધકેલી રહ્યું છે.
વર્ષ ૨૦૨૬ માં પણ વિશ્વ હિટલર અને મુસોલીની જેવા શાસકોના યુગનો અનુભવ કરી રહ્યું છે, જ્યાં લોકશાહી મૂલ્યોનું પતન થઈ રહ્યું છે અને “માઈટ ઈઝ રાઈટ” નો સિદ્ધાંત પ્રભુત્વ ભોગવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ, પોતાની અસાધારણ સૈનિક કાર્યવાહીઓ અને નિવેદનો દ્વારા વૈશ્વિક વ્યવસ્થામાં હડકંપ મચાવી રહ્યા છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને તેમની પત્ની સાથે અમેરિકી કસ્ટડીમાં લેવા જેવા કૃત્યો આંતરરાષ્ટ્રીય કાયદાનું સીધું ઉલ્લંઘન છે.
ટ્રમ્પ ખુલ્લેઆમ જાહેર કરે છે કે તેમની વૈશ્વિક શક્તિની એકમાત્ર મર્યાદા તેમનું પોતાનું મગજ અને નૈતિકતા છે, અને તેમને આંતરરાષ્ટ્રીય કાયદાની જરૂર નથી. આ નિવેદન એક લોકતાંત્રિક નેતાનું નહીં, પરંતુ પોતાની સત્તાના ઘમંડમાં આંધળા બનેલા શાસકનું છે. તેમની માનસિકતામાં રાજકારણ એ નૈતિક વિષય નથી, પરંતુ તાકાતની રમત છે, જ્યાં જીત અને હાર જ મહત્વપૂર્ણ છે. તેઓ આત્મસંયમ નહીં, પરંતુ ખતરનાક માનસિકતાનું પ્રદર્શન કરે છે જ્યાં સત્તાધારી પોતાને ઈશ્વર સમાન સમજે છે.
ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય નીતિઓ ક્યારે લાગુ થશે અને ક્યારે નહીં, તેનો નિર્ણય પોતાના મિજાજ મુજબ લે છે, નિયમો દ્વારા નહીં. રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ ન કરવા બદલ ભારત પર ૫૦૦ કટા ટેરિફ નાખવાની ધમકી, તેમજ ગ્રીનલેન્ડ, ઈરાન અને રશિયાને પાઠ ભણાવવાના તેમના ઈરાદા દર્શાવે છે કે તેઓ વિશ્વને ક્યાં લઈ જવા માંગે છે.
ટ્રમ્પની આ માનસિકતા આત્મમુગ્ધતા, પ્રભુત્વની ભૂખ અને તાકાત પ્રત્યેના શારીરિક આકર્ષણનું મિશ્રણ છે. તેઓ સંવાદ નહીં, પરંતુ પોતાની જીત અને અનિવાર્યતાની ઘોષણા કરે છે. ટીકાને તેઓ સુધારવા માટેનો અવસર નહીં, પરંતુ અપમાન માને છે. “માય વે ઓર હાઈવે” જેવા અભિગમ સાથે તેઓ વાસ્તવિકતાને તેમના વિચારો પ્રમાણે ઢાળવા માંગે છે.
પરિણામે, નાટો અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેવા આંતરરાષ્ટ્રીય સહકાર અને સુરક્ષા સંગઠનો નબળા પડી રહ્યા છે. અમેરિકાના મિત્ર રાષ્ટ્રો પણ ગ્રાહકો જેવા લાગી રહ્યા છે, જેના કારણે વિશ્વમાં ભરોસાને બદલે આશંકાએ જન્મ લીધો છે. ધીમે ધીમે એક બહુધ્રુવીય, અસ્થિર વિશ્વ ઉભરી રહ્યું છે, જ્યાં નિયમોને બદલે વ્યક્તિની મનોદશા નિર્ણાયક બની રહી છે.
આ સ્થિતિ એક નવા રાજકીય યુગ તરફ નિર્દેશ કરે છે, જ્યાં કાયદો અને નિયમોની તાકાતને નહીં, પરંતુ સત્તા ધરાવનાર વ્યક્તિની વ્યાખ્યા અને મનોદશાને મહત્વ આપવામાં આવે છે. “જિસકી લાઠી ઉસકી ભેંસ” ની કહેવત અહીં ચરિતાર્થ થઈ રહી છે, જ્યાં દરેક પાસે નાની-મોટી “લાઠીઓ” છે અને ભેંસ (માનવતા) ની હાલત કફોડી બની રહી છે. ટ્રમ્પનો આ સૌથી મોટો વારસો છે – એક એવી દુનિયા, જ્યાં નિયમો ઓછા અને માનસિકતા વધુ નિર્ણાયક હોય. આ રંગ જેટલો તેજસ્વી દેખાય છે, તેટલી જ ઊંડી અસ્થિરતા તેની નીચે છુપાયેલી છે.

















Recent Comments