રાષ્ટ્રીય

ટ્રમ્પની ઈરાનના પરમાણુ ઠેકાણને તબાહ કરવાની ધમકીને ‘રેડ લાઈન’ ગણાવી અને કહ્યું કે તેના ગંભીર પરિણામો આવશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનના પરમાણુ ઠેકાણને તબાહ કરવાની ધમકીને ‘રેડ લાઈન’ ગણાવી અને કહ્યું કે, તેના ગંભીર પરિણામો આવશે. હાલના સમયમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વાટાઘાટો ચાલી રહી છે.

એક ઈરાની અધિકારીએ કહ્યું હતું કે, ‘જો અમેરિકા રાજદ્વારી ઉકેલ ઈચ્છે છે, તો તેણે ધમકીઓ અને પ્રતિબંધોની ભાષા છોડવી પડશે. આવી ધમકીઓ ઈરાનના રાષ્ટ્રીય હિતો પ્રત્યે ખુલ્લી દુશ્મનાવટ છે.’

ટ્રમ્પે બુધવારે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને કહ્યું હતું કે, ‘હું ઈચ્છું છું કે (પરમાણુ કરાર) એટલો કડક હોય કે આપણે નિરીક્ષકો સાથે અંદર જઈ શકીએ, જે જોઈએ તે લઈ શકીએ, જે ઈચ્છીએ તે ઉડાવી શકીએ, પરંતુ કોઈનો જીવ ન જાય.’

આ પહેલા પણ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અનેક વાર ચેતવણી આપી ચૂક્યા કે જો રાજદ્વારી નિષ્ફળ જશે, તો અમે ઈરાનના પરમાણુ ઠેકાણા પર બોમ્બમારો કરી શકીએ છીએ. આ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર દાયકાઓથી ચાલી રહેલા વિવાદનો એક ભાગ રહ્યો છે. જોકે, ટ્રમ્પે શુક્રવારે એમ પણ કહ્યું હતું કે, ઈરાન સાથે ‘નજીકના ભવિષ્યમાં’ એક કરાર શક્ય છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સાઉદી અરેબિયાએ ઈરાનને ચેતવણી આપી હતી. સાઉદી અરેબિયાના રક્ષા મંત્રી પ્રિન્સ ખાલિદ બિન સલમાને ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈ સાથે મુલાકાત દરમિયાન તેમને ચેતવણી આપી હતી કે તમે પરમાણુ કરાર પર ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેની વાતચીતને ગંભીરતાથી લો અથવા ઈઝરાયલ સાથે યુદ્ધ માટે તૈયાર રહો.

Related Posts