અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ‘ઇન્ડિયન સ્ટાર ટૉર્ટૉઇઝ’ના ગેરકાયદે વેપાર કરતા એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ગુજરાત અને રાજસ્થાનના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 10 જીવતા કાચબાને બચાવી લેવાયા છે. ઇન્ડિયન સ્ટાર ટૉર્ટૉઇઝ એ વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972ની અનુસૂચિ I હેઠળ અત્યંત સુરક્ષિત પ્રજાતિ છે, જેનો વેપાર કરવો ગંભીર ગુનો છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, SOGને ચોક્કસ બાતમી મળી હતી કે ઇન્સ્ટાગ્રામ પર Ahmedabad dog lovers નામના એકાઉન્ટ દ્વારા આ પ્રતિબંધિત કાચબાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે, અમદાવાદ ગ્રામ્ય એસ.પી અને ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટની દેખરેખ હેઠળ એક સંકલિત ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. પોલીસ અને વન વિભાગની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે દરોડા પાડ્યા હતા અને ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા.તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ સોશિયલ મીડિયાનો ઉપયોગ ખરીદદારો સુધી પહોંચવા માટે કરતી હતી અને UPI આધારિત ડિજિટલ વ્યવહારો દ્વારા નાણા સ્વીકારતા હતા. આ ગેંગે અત્યાર સુધીમાં રાજસ્થાન અને ગુજરાતમાં 50થી વધુ કાચબાઓનો વેપાર કર્યો હોવાનો અંદાજ છે.આરોપી મુકેશ દિલીપભાઈ સોની રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે. જે મુખ્ય સંચાલક છે અને તે જ ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવતો અને ઓનલાઇન ઑર્ડર લેતો હતો. જ્યારે રાજસ્થાનના અજમેરનો શુભમ સુનિલ નોટવાણી વચેટિયા તરીકે કામ કરતો હતો અને ઑર્ડર ફોરવર્ડ કરતો હતો. રાજસ્થાનના પાલીનો યશવંતસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણ નામનો આરોપી અમદાવાદમાં સપ્લાયર્સ સાથે સંકલન કરતો હતો અને અમદાવાદના બહેરામપુરાનો સંકેત મહેશભાઈ સોનવાણે સ્થાનિક પોર્ટર્સ/એપ આધારિત કુરિયર દ્વારા ડિલિવરી સંભાળતોડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ, ડૉ. મીનલ જાનીએ જણાવ્યું કે, વન વિભાગે નકલી ગ્રાહક મોકલી છટકું ગોઠવ્યું હતું, જે દરમિયાન આરોપીઓએ અન્ડરકવર ટીમને 10 જીવંત કાચબા પહોંચાડ્યા હતા. ડૉ. જાનીએ સ્પષ્ટતા કરી કે, ઇન્ડિયન સ્ટાર ટૉર્ટૉઇઝનો વેપાર, જાળવણી કે પરિવહન એક સજાપાત્ર ગુનો છે, જેમાં સાત વર્ષ સુધીની કેદ અને રૂ. 25,000નો દંડ થઈ શકે છે. એસ.પી. ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે આરોપીઓ ખરીદદારો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો અને વન્યજીવની હેરફેર છુપાવવા માટે એપ-આધારિત કુરિયર સેવાઓનો ઉપયોગ કરતા હતા.અધિકારીઓના અંદાજ મુજબ, ગેરકાયદેસર વન્યજીવ બજારમાં ઇન્ડિયન સ્ટાર ટૉર્ટૉઇઝની કિંમત રૂ. 50,000થી રૂ. 1 લાખ સુધીની હોય છે. આ પ્રજાતિનો વેપાર મુખ્યત્વે પાલતુ પ્રાણી તરીકે, ધાર્મિક વિધિઓમાં ઉપયોગ માટે, અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં નિકાસ કરવા માટે થાય છે, જ્યાં તેને શુભ માનવામાં આવે છે. તંત્ર દ્વારા જપ્ત કરાયેલા કાચબાઓના મૂળ સ્ત્રોત અને નેટવર્કના અન્ય સભ્યોને ઓળખવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર કાચબાની તસ્કરી!: અમદાવાદમાં ઝડપાયું આંતરરાજ્ય રેકેટ, કુરિયરથી ડિલિવરી અને UPIથી પેમેન્ટ





















Recent Comments