અમરેલી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત બે દિવસીય જિલ્લા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં કૃષિ તજજ્ઞો દ્વારા શિયાળુ પાકના વૈજ્ઞાનિક ઢબે વાવેતર સહિતના મુદ્દાઓને આવરી લઈ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યકક્ષાએથી રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે વર્ચ્યુઅલી સંબોધન પણ કર્યું હતુ.
આ અંતર્ગત અમરેલી સ્થિત કડવા પટેલ સમાજ વાડી ખાતે જિલ્લા સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘કૃષિ વિકાસ દિન’ ૨૦૨૫ અને ‘રવિ કૃષિ મહોત્સવ’ ૨૦૨૫ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા કક્ષાના ‘રવિ કૃષિ મહોત્સવ’ ૨૦૨૫માં કપાસ પાક નુકસાનીના કૃષિ રાહત પેકેજ-૨૦૨૪ અંતર્ગત જિલ્લાના ૭૫ હજારથી વધુ ખેડૂતોને રૂ. ૧૧૪ કરોડની સહાયની ચૂકવણી કરવામાં આવી હતી. ઉપરાંત રાજ્ય સરકાર અંતર્ગતની એ.જી.આર. ૫૦ ટ્રેક્ટર ઘટક યોજના હેઠળ રૂ. ૧ લાખની રકમના મંજૂરીના સહાય હુકમો ખેડૂતોને એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત પાવર થ્રેસર, સીડડ્રીલ, સ્માર્ટફોન, એ.જી.આર. ૨ એફ.એમ સહિતના ઘટક હેઠળ ખેડૂતોને સહાયના હુકમો પણ એનાયત કરવામાં આવ્યા હતા. બાગાયત ખાતા હેઠળની ફાર્મ મિકેનાઈઝેશન યોજના હેઠળ એ.આર.ટી ઘટક હેઠળ રૂ. ૮૪, ૧૦૦ની રકમની સહાય ચૂકવણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમ સ્થળે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના સ્ટોલ, અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગનો સ્ટોલ, બાગાયતી ખેત પેદાશોનું પ્રદર્શન, શ્રી અન્ન અંતર્ગત ખેડૂતો દ્વારા તૈયાર કરેલ વિવિધ વાનગીઓના પ્રદર્શન અને વેચાણ, એફ.પી.ઓના પ્રદર્શન સ્ટોલ, નવીન ટેક્નોલોજીના આકર્ષણો જેવા કે ડ્રોન ટેક્નોલોજી સહિતના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ખેડૂતોએ આ વિવિધ સ્ટોલ પર મુલાકાત લઈને માહિતી પ્રાપ્ત કરી હતી.
જિલ્લા કક્ષાના ‘કૃષિ વિકાસ દિન’ અને ‘રવિ કૃષિ મહોત્સવ’ ૨૦૨૫ના કાર્યક્રમમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાએ જણાવ્યુ કે, આપણે સમય અનુસાર ખેતીની પદ્ધતિ પણ બદલવી જરૂરી છે. એક સમયે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ યોગ્ય હશે પરંતુ આજના સમયમાં તે માનવીય આરોગ્ય પર ખતરો વધારી રહ્યું છે. જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. કેન્સર સહિતના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. તેમ જણાવતા તેમણે ખેડૂતોને ઝેરમુક્ત પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક ડો. કાછડીયાએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ હેઠળ શિયાળુ પાકોના વાવેતર, દેશી બિયારણ, જમીનની ફળદ્રુપતા વધારવા માટેના ઉપાયો, પાકોમાં જીવાત નિયંત્રણ સહિતના મુદ્દે માહિતી-માર્ગદર્શન પુરૂં પાડ્યું હતુ. પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂત શ્રી કેતનભાઈ ખોયાણીએ પોતાના અનુભવો જણાવ્યા હતા. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા આહ્વાન કર્યું હતુ.
‘કૃષિ વિકાસ દિન’ ૨૦૨૫ અને ‘રવિ કૃષિ મહોત્સવ’ ૨૦૨૫ જિલ્લા કક્ષા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેનશ્રી પ્રવિણભાઈ માંગરોળીયા, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી વનરાજભાઈ કોઠીવાળ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અતુલભાઈ કાનાણી, ગુજરાત પ્રદેશ મહિલા મોરચો અગ્રણી અને સહકાર આગેવાન ભાવનાબેન ગોંડલીયા, કૃષિ વૈજ્ઞાનિક મિનાક્ષીબેન બારૈયા અને પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકીયા, જિલ્લા આંકડા અધિકારી શ્રી ગોહિલ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કાનાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અમરેલીના પ્રિન્સિપાલશ્રી દેશમુખ સહિતના પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓ, બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments