સ્વચ્છ ભારત મિશન અંતર્ગત યોજાયેલ “સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪”માં પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ,
ભાવનગર ઝોને ઉલ્લેખનીય સફળતા મેળવી છે. ભાવનગર ઝોનમાં ૨૭ નગરપાલિકાઓએ સ્વચ્છતા માટે
અપનાવેલી નવીન પદ્ધતિઓ, આધુનિક ઘન કચરા વ્યવસ્થાપન તથા નાગરિકોની સક્રિય ભાગીદારીને કારણે રાજ્ય
અને રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર પ્રદર્શન નોંધાવેલ છે.
ભાવનગર ઝોનની કેશોદ નગરપાલિકાએ ભારત દેશની કુલ ૪૫૮૯ મહાનગરપાલિકા-નગરપાલિકાઓમાંથી
૭૬મો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે તેમજ કેશોદ નગરપાલિકાને ગાર્બેજ ફ્રી સીટી સર્ટીફિકેશનમાં વન સ્ટાર મળેલ છે. કેશોદ
નગરપાલિકાએ ૧૨૫૦૦ ગુણ માંથી ૯૪૪૧ ગુણ પ્રાપ્ત કરેલ છે. ગતવર્ષે કેશોદ નગરપાલિકાએ સ્વચ્છ સર્વેક્ષણ
૨૦૨૩માં રાષ્ટ્રીય કક્ષાએ ૧૫૯૯મો ક્રમાંક પ્રાપ્ત કરેલ હતો, જેમાં સુધારો કરીને આ વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ ૭૬મો ક્રમાંક
મેળવેલ છે.
ગુજરાત રાજ્યની કુલ ૧૬૨ મહાનગરપાલિકા-નગરપાલિ કાઓમાંથી ભાવનગર ઝોનની કુલ ૧૨
નગરપાલિકાઓએ રાજ્ય કક્ષાએ પ્રથમ ૧૦૦ ક્રમાંકમાં સ્થાન હાંસલ કરેલ છે જેમાં કેશોદ, વિસાવદર, કોડીનાર,
બાંટવા, ઉના, તાલાલા, સુત્રાપાડા, દામનગર, બાબરા, અમરેલી, માંગરોળ અને માણાવદર નગરપાલિકાઓનો
સમાવેશ થાય છે.
સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ની ઓપન ડેફિકેશન ફ્રી (ખુલ્લામાં શૌચ મુકત) સર્ટીફિકેશન કેટેગરીમાં ભાવનગર
ઝોનની ૫ નગરપાલિકાઓને ઉચ્ચ કક્ષાનું વોટર પ્લસ સર્ટીફિકેશન મળેલ છે. જેમાં કેશોદ, અમરેલી, મહુવા,
સુત્રાપાડા તથા સિહોર નગરપાલિકાઓનો સમાવેશ થયેલ છે. તેમજ ભાવનગર ઝોનની ૧૯ નગરપાલિકાઓને
ઓ.ડી.એફ પ્લસ પ્લસ સર્ટીફિકેશન મળેલ છે. જેમાં તળાજા, પાલિતાણા, ગારીયાધાર, વીસાવદર, બાંટવા, માંગરોળ,
ચોરવાડ, વંથલી, કોડીનાર, તલાલા, ઉના, વેરાવળ-પાટણ, દામનગર, બાબરા, રાજુલા, લાઠી, બગસરા, જાફરાબાદ
અને ચલાલા નગરપાલિકાઓનો સમાવેશ થયેલ છે. તથા ભાવનગર ઝોનની ૩ નગરપાલિકાઓને ઓ.ડી.એફ.
સર્ટીફિકેશન મળેલ છે. જેમાં વલભીપુર, માણાવદર અને સાવરકુંડલા નગરપાલિકાઓનો સમાવેશ થયેલ છે.
ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનરશ્રી ધવલ પંડ્યા, આઈ.એ.એસ. એ કેશોદ નગરપાલિકાની કામગીરીને
બિરદાવી છે તેમજ “આ સિદ્ધિ સરકાર, નગરપાલિકાઓ અને નાગરિકો વચ્ચેના ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ છે.
ભાવનગર ઝોનને સ્વચ્છતામાં અગ્રેસર રાખવા માટે ભવિષ્યમાં પણ સંપૂર્ણ પ્રયાસો હાથ ધરવામાં આવશે” એમ
જણાવેલ છે.
બોક્સ આઈટમ :-
સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪
ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શહેરોમાં કાયમી સ્વચ્છતા રહે તે માટે
‘‘રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ’’ થીમ પર સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ હાથ ધરવામાં આવ્યું હતુ. તા.૧૭/૦૭/૨૦૨૫ના
રોજ માન. મહામહિમ રાષ્ટ્રપતિશ્રી, શ્રીમતી દ્રોપદી મુર્મુજીની અધ્યક્ષતામાં એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું
હતું. જેમાં ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રાલયના કેબિનેટ મંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટર,
રાજ્યમંત્રીશ્રી તોખન સાહુજી તથા દેશના અન્ય રાજ્યોના શહેરી વિકાસ મંત્રીશ્રીઓ, મેયરશ્રીઓ, મ્યુનિસિપલ
કમિશનરશ્રીઓ તેમજ સ્વચ્છ ભારત મિશનની કામગીરી સંભાળતા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments