· ભ્રષ્ટ કમિશનખોરી અને હપ્તારાજને કારણે નકલી દૂધ, પનીર, ઘી અને માખણનું ઝેર પીરસાય છે : અમિત ચાવડા
· ભાજપ શાસનમાં નકલી ખાદ્ય માફિયાઓનો રાફડો ફાટ્યો, જનતાના આરોગ્ય સાથે જીવલેણ ખીલવાડ : અમિત ચાવડા
· છેલ્લા ૫ વર્ષમાં દૂધના ૩ હજારથી વધુ નમૂના ફેઈલ, ઠેર-ઠેર કેમિકલયુક્ત પનીરનું નેટવર્ક ઝડપાયું : અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ એક સત્તાવાર અખબારી યાદીમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દૂધ, ઘી, માખણ અને પનીર જેવી પાયાની જરૂરિયાતની વસ્તુઓમાં વ્યાપક અને સંગઠિત ભેળસેળ ચાલી રહી છે. સરકારનું વહીવટી તંત્ર આ માફિયાઓ સામે ઘૂંટણિયે પડ્યું હોય તેમ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. રાજ્યમાં ‘સફેદ ખોરાકમાં કાળો કારોબાર’ ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે, છતાં સત્તાધારી પક્ષના આશીર્વાદથી જવાબદાર તંત્ર કુંભકર્ણી નિદ્રામાં છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં દૂધના ૩,૦૦૦થી વધુ નમૂનાઓ ગુણવત્તાના માપદંડોમાં નિષ્ફળ ગયા હોવા છતાં, સરકારે કોઈ કડક કે દાખલારૂપ પગલાં લીધા નથી, જે નાગરિકોના જીવ પ્રત્યેની ગુનાહિત બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે.
શ્રી અમિત ચાવડાએ વધુમાં વિગતો આપતા જણાવ્યું કે, ગુજરાતમાં દૂધ જેવા પવિત્ર વ્યવસાયમાં ડિટર્જન્ટ, યુરિયા અને જીવલેણ કેમિકલ્સના મિશ્રણના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. અમદાવાદમાં તાજેતરમાં તપાસ દરમિયાન પનીરના ૧૦ નમૂનાઓ નાપાસ થયા અને ૧૭૩ કિલો જેટલું અત્યંત શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું છે. એવી જ રીતે સુરતમાં પણ એક યુનિટમાંથી ૭૫૦ કિલોથી વધુ ઝેરી પનીર ઝડપાયું હોવાની ઘટનાઓ ચિંતાજનક છે. બજારમાં ‘એનાલોગ પનીર’ના નામે વનસ્પતિ તેલ અને સ્ટાર્ચના જોખમી મિશ્રણને શુદ્ધ ‘મિલ્ક પનીર’ તરીકે વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ દગો કરવામાં આવી રહ્યો છે.
શ્રી અમિત ચાવડાએ સનસનીખેજ આક્ષેપ કર્યો કે, હવે નકલી ઘી અને ભેળસેળયુક્ત માખણનું નેટવર્ક છેક ઘર-ઘર સુધી પહોંચી ગયું છે. શુદ્ધ દેશી ઘીના લેબલ હેઠળ પામ ઓઈલ, કૃત્રિમ એસેન્સ અને નીચી ગુણવત્તાવાળી ચરબીયુક્ત પદાર્થો ભેળવીને વેચવામાં આવે છે. પવિત્ર મંદિરો, પ્રસાદ, મીઠાઈ ઉદ્યોગ અને સામાન્ય પરિવારોના રસોડામાં પહોંચતું આ ઝેર આવનારી પેઢીને બીમાર કરી રહ્યું છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, વિભાગ માત્ર દેખાડા ખાતર દરોડા પાડે છે, પરંતુ લેબ રિપોર્ટ આવતા એટલો સમય વીતી જાય છે કે ત્યાં સુધીમાં તો હજારો નિર્દોષ નાગરિકો આ ભેળસેળયુક્ત ખોરાક ખાઈ ચૂક્યા હોય છે. સ્થળ પર જ તપાસ કરવા માટે જરૂરી આધુનિક સાધનો કે મોબાઈલ લેબની ઘોર અછત છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે નમૂના ફેઈલ થયા પછી પણ તંત્ર માત્ર નજીવો દંડ ફટકારીને સંતોષ માની લે છે. ગુનેગારોને જેલના સળિયા પાછળ મોકલવાની કોઈ મક્કમ ઈચ્છાશક્તિ સરકારમાં દેખાતી નથી, જેના કારણે ભેળસેળિયા તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી.
તેમણે સરકાર પાસે માંગ કરી છે કે, સમગ્ર રાજ્યમાં યુદ્ધના ધોરણે વિશેષ ચકાસણી અભિયાન ચલાવવામાં આવે, પૂરતી સંખ્યામાં મોબાઈલ ટેસ્ટિંગ લેબ ફાળવવામાં આવે અને ભેળસેળ કરનારા તત્વો સામે માત્ર દંડ નહીં પણ કડક ગુનાહિત કાયદા હેઠળ કાર્યવાહી કરીને જનતાના આરોગ્યની સુરક્ષા માટે ત્વરિત પગલાં લેવામાં આવે.


















Recent Comments