પૂર્વોત્તરમાં રમતગમતના માળખાને નોંધપાત્ર પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તેમજ શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા અરુણાચલ પ્રદેશના કામલે જિલ્લામાં ખેલો ઇન્ડિયા મલ્ટીપર્પઝ હોલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રીઓ શ્રી કેન્ટો જીની અને શ્રી ન્યાતો ડુકમ તેમજ 25માં રાગના ધારાસભ્ય શ્રી રોટોમ ટેબિન પણ હાજર હતા.
કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણપણે ભંડોળ આપીને ખેલો ઇન્ડિયા મલ્ટીપર્પઝ હોલ 8 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય પ્રદેશમાં પાયાના સ્તરની રમતોને પ્રોત્સાહન આપવા માટે અત્યાધુનિક માળખાગત સુવિધાઓ અને તાલીમ સુવિધાઓ પૂરી પાડવાનો છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોલ બોક્સિંગ, બેડમિન્ટન, જુડો, વુશુ, કરાટે, તાઈક્વોન્ડો, વેઈટલિફ્ટિંગ, ટેબલ ટેનિસ અને વોલીબોલ સહિત વિવિધ પ્રકારની ઇન્ડોર રમતોની સુવિધા આપશે, જે પ્રદેશના યુવા ખેલાડીઓને વ્યાવસાયિક રીતે તાલીમ આપવા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવશે.
આ પ્રસંગે બોલતા ડૉ. માંડવિયાએ ખાસ કરીને દૂરના જિલ્લાઓમાં ભારત સરકારની સમાવિષ્ટ રમતગમત વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, “આ પહેલ દેશના દરેક ખૂણામાંથી પ્રતિભાને ઉછેરવાના આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને પ્રતિબિંબિત કરે છે. અરુણાચલ પ્રદેશમાં અપાર સંભાવનાઓ છે અને આવી સુવિધાઓ દ્વારા, અમારું લક્ષ્ય યુવાનોને રમતગમતમાં ચમકવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે તકો પૂરી પાડવાનું છે.”
કેન્દ્રીય મંત્રીએ સ્થાનિક યુવાનો અને ખેલાડીઓ સાથે પણ વાતચીત કરી અને તેમને આ સુવિધાનો સંપૂર્ણ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. તેમણે રોજિંદા જીવનમાં, ખાસ કરીને યુવાનોમાં, ફિટનેસ, રમતગમત અને શિસ્તનો સમાવેશ કરવાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ, રાજ્ય સરકારના પ્રતિનિધિઓ અને સ્થાનિક મહાનુભાવો હાજર રહ્યા હતા.
Recent Comments