ભાવનગર

કેન્દ્રીય રાજ્ય મંત્રીએ હૈલાકાંડી, આસામમાં વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરી

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમૂબેન જયંતિભાઈ બાંભણીયાએ હૈલાકાંડી
જિલ્લામાં મહિલા સ્વસહાય જૂથો (SHG) દ્વારા ચલાવવામાં આવતી ટોફૂ ઉત્પાદન પહેલ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
મંગળવારના રોજ લાલામુખ ગ્રામ પંચાયત હેઠળના ગગલાચાર્રામાં આવેલા ટોફૂ ઉત્પાદન કેન્દ્રની મુલાકાત
દરમિયાન મંત્રીશ્રીએ SHG મહિલાઓ સાથે સંવાદ કર્યો અને મહિલા આજીવિકા પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા
કરી. તેમણે જિલ્લા આજીવિકા મિશન દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોની
પ્રશંસા કરી અને આવી વધુ તકો અન્ય વિસ્તારોમાં પણ મહિલાઓ સુધી પહોંચે એવી અપેક્ષા વ્યક્ત કરી.
હાલમાં જિલ્લાના અંદર છ ટોફૂ ઉત્પાદન યુનિટ કાર્યરત છે—ત્રણ ગગલાચાર્રામાં અને ત્રણ મોહનપુરના બર્ની બ્રીઝ
વિસ્તારમાં. આ તમામ યુનિટ જિલ્લા આજીવિકા મિશન દ્વારા સંચાલિત થઈ રહી છે અને તેમા કુલ 60 મહિલાઓને
રોજગાર મળ્યો છે. ધલેશ્વરી બ્રાન્ડ હેઠળ કાર્યરત આ એકમોની સંયુક્ત ઉત્પાદન ક્ષમતા પ્રતિદિન 600 કિલોગ્રામ છે.
મંત્રીશ્રીએ તેમના પ્રવાસની શરૂઆત દક્ષિણ હૈલાકાંડી બ્લોકના સુલ્તાનીછેર્રામાં આવેલા મોડેલ આંગણવાડી કેન્દ્ર નંબર
80ની મુલાકાતથી કરી હતી. તેમણે માતા-પિતાઓ અને બાળકો સાથે યોજાયેલ બેઠકમાં ભાગ લીધો અને આંગણવાડી
કેન્દ્રો દ્વારા મળતા લાભોનો પૂરતો લાભ લેવા અનુરોધ કર્યો.
ત્યારબાદ તેમણે દક્ષિણ હૈલાકાંડીના ઘર્મુર્રા ખાતે આવેલા ન્યુ પ્રાઈમરી હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી અને દર્દીઓને
ઉપલબ્ધ આરોગ્યસેવાઓની સમીક્ષા કરી. આ ઉપરાંત, કૃષિ વિભાગ દ્વારા મણિપુર ખાતે જિલ્લા સરહદી વિસ્તારમાં
વિકસાવવામાં આવેલી 10 વીઘા ક્ષેત્રફળની ઓઇલ પામ બીજ નર્સરીની પણ મંત્રીશ્રીએ મુલાકાત લીધી. તેમણે આશા
વ્યક્ત કરી કે આવી યોજના ખેડૂતો માટે આવક વધારવાનું સાધન બનશે.
આકાંક્ષી જિલ્લ કાર્યક્રમ અંતર્ગત વિકાસકામોની સમીક્ષા દરમિયાન મંત્રીશ્રીએ લક્ષ્મીનગર ટી.ઈ. મોડેલ હાઈસ્કૂલની
પણ મુલાકાત લીધી. તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટને અટકાવવા
માટે વાલીઓનો સહકાર આવશ્યક હોવાનું જણાવ્યું. ત્યારબાદ તેમણે શાળામાં બનાવવામાં આવેલી કિચન શેડ અને
પૌષ્ટિક ફળ ગાર્ડનનું પણ નિરીક્ષણ કર્યું.
આ પછી મંત્રીશ્રીએ કુચિલા ગામે કૃષિ વિભાગ દ્વારા સ્થાપિત માટી પરીક્ષણ લેબોરેટરીની મુલાકાત લીધી.
અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં અહીં 28,000થી વધુ માટીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને
ખેડૂતોએ સોઇલ હેલ્થ કાર્ડ પણ પ્રાપ્ત કર્યા છે.
પ્રવાસના અંતિમ તબક્કામાં મંત્રીશ્રીએ કુચિલા ગામમાં પશુપાલન વિભાગ દ્વારા રૂ. 28 લાખના ખર્ચે સ્થાપિત કરવામાં
આવેલા પશુ ઉપકેન્દ્રની મુલાકાત લીધી. આ કેન્દ્ર હવે આસપાસના 23 ગામોમાં કૃત્રિમ ગર્ભાધાન, રસીકરણ અને
પશુઓની સારવાર જેવી મહત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડી રહ્યું છે.
દિવસભર ચાલેલા મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ હૈલાકાંડી જિલ્લા કલેક્ટર શ્રી નિસર્ગ હિવારે તેમજ વિવિધ
વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિકાસ કાર્યોની નિરીક્ષણ વિધીમાં ભાગ લીધો અને સ્થળ પર જરૂરી માહિતી
મેળવી.

Related Posts