ભાવનગર

ગ્રામજનોની ભાવનાથી સાકાર થયેલ આત્મનિર્ભર હણોલથી પ્રભાવિત થયા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ

ગુજરાતના ગૌરવરૂપ અને ગ્રામજનોની એકતાની ભાવનાથી ઊભા થયેલ આત્મનિર્ભર હણોલ ગામથી કેન્દ્રીય
કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રભાવિત થયા હતા અને ગામની એકતા તથા
સમર્પણભાવને બિરદાવ્યા હતા.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયાના નેતૃત્વમાં હણોલ ગામ ખાતે યોજાયેલ વિશાળ
ગ્રામસભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રામસભામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન
બાંભણિયા, રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સહિતના
અગ્રણીઓ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
આત્મનિર્ભર હણોલ મહોત્સવના પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું
હતું કે, “ગામડાના સર્વાંગી વિકાસથી જ રાષ્ટ્રનો વિકાસ શક્ય છે અને તેનું ઉત્તમ ઉદાહરણ ગોહિલવાડના હણોલ
ગામમાં જોવા મળે છે.” તેમણે ગામની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નિહાળી અને તેમાં સહભાગી બની ગ્રામજનોના ઉત્સાહને
વધાવ્યો હતો.
શ્રી ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, “આ વિકાસ માત્ર સરકારના નાણાંથી નહીં પરંતુ ગ્રામજનોની ભાવનાથી
થયો છે. ગામની એક એક વ્યક્તિ અને એક એક વૃક્ષમાં આત્મનિર્ભરતાની સંવેદના સ્પષ્ટ અનુભવી શકાય છે.” તેમણે
પોતાના સાથી કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયાના નેતૃત્વ અને દૃષ્ટિને પણ બિરદાવતાં જણાવ્યું હતું કે,
ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવી મહાન વિભૂતિઓ આપેલી છે અને એ જ સંસ્કાર અહીંના વિકાસમાં
પ્રતિબિંબિત થાય છે.
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયાએ પોતાના પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે, માટીમાં રહેલી
પ્રતિભાને યોગ્ય સુવિધાઓ મળે તો વિકાસ સ્વયં સિદ્ધ થાય છે, જે હણોલ ગામે સાબિત થયું છે. તેમણે શિક્ષણ, કૃષિ,
સ્વચ્છતા સહિતના વિવિધ વિકાસ ઉપક્રમોની માહિતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ પહોંચાડવાની વાત કરી
અને સમગ્ર ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ આત્મનિર્ભર ગામનું હણોલ ઉત્તમ ઉદાહરણ
હોવાનું જણાવ્યું અને ગ્રામ્ય પરંપરાની આકર્ષક રજૂઆતને બિરદાવ્યું હતું.
રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ હણોલમાં આદર્શ ગામની સંકલ્પના સાકાર થયાનું જણાવી રાજ્ય
સરકાર દ્વારા અહીં વિશેષ કૃષિ પ્રકલ્પ અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી.
ગ્રામસભા પૂર્વે ગામમાં રંગબેરંગી વાતાવરણ વચ્ચે સામૈયા સાથે જુવારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
હતું. આ ઉપરાંત વિકાસકાર્યોના ઉપક્રમો યોજાયા હતા તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે વૃક્ષારોપણ
પણ કરવામાં આવ્યું હતું.

Related Posts