ગુજરાત

કેન્દ્રીય રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ભાયાવદરમાં આયોજિત ‘સન્ડે ઓન સાયકલ‘ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા

કેન્દ્રીય રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ભાયાવદરમાં આયોજિત ‘સન્ડે ઓન સાયકલ‘ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉદ્બોધન કરતાં શ્રી માંડવિયાએ કહ્યું હતું કે, લોકોને સ્વસ્થ અને ફિટ રહેવા માટે દરરોજનું એક કલાકનું સાયકલીંગ જરૂરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની સંકલ્પના મુજબ ફિટ ઈન્ડિયા માટે, મેદસ્વીપણાથી બચવા માટે તેમના જણાવ્યા મુજબ આપણે તેલનો ઉપયોગ ૧૦% ઓછો કરીએ અને સાયકલ ચલાવીએ. પ્રધાનમંત્રીના વિકસિત ભારત જ્ર૨૦૪૭ના વિઝનને સાકાર કરવા માટે નાગરિક સ્વસ્થ રહેવા જોઈએ. ‘સ્વસ્થ નાગરિક, સમૃદ્ધ રાષ્ટ્ર ‘ માટે પણ સન્ડે ઓન સાયકલ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
શ્રી માંડવિયાએ વધુમાં કહ્યું હતું કે એક સમયે સાયકલ નાના માણસોનાં ઉપયોગી સાધન તરીકે ઓળખાતી હતી. પરંતુ આજે ફિટનેસ માટે તેનો ઉપયોગ થતો હોવાથી તે ફેશન બની ગઈ છે. આપણે પણ નજીકનાં સ્થળ, શાળા, કામકાજના સ્થળે જવા માટે સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. ઉપસ્થિત ૨૦૦થી વધુ સાયકલ સવારોને નેધરલેન્ડ અને ડેનમાર્કનું ઉદાહરણ આપી સાયકલ જ પોલ્યુશનનું સોલ્યુશન હોવાનું પણ તેમણે કહ્યું હતું.
પ્રધાનમંત્રીના આહ્વાનથી દેશભરમાં દર રવિવારે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજે પણ દેશભરમાં ૫ હજારથી વધુ સ્થળોએ એક કલાકના સાયકલીંગનું આયોજન થયું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ભાયાવદર ખાતેના આ કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (જીછૈં) દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં માય ભારત અને નેહરુ યુવા કેન્દ્રનાં સ્વયંસેવકોની સક્રિય સહયોગ મળ્યો હતો.

Related Posts