ભારતના બિસ્માર્ક અને સમગ્ર દેશના ૫૬૨ જેટલા દેશી રજવાડાઓને એક સૂત્રમાં બાંધીને અખંડ ભારતનું નિર્માણ કરનાર દેશના મહાન સપૂત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના પાવન અવસરે ધારી વિધાનસભા મતવિસ્તારમાં વીરપુર ગામેથી ખીચા ગામ સુધી યુનિટી માર્ચ-પદયાત્રાનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. પદયાત્રા દરમિયાન રાષ્ટ્રીય એકતાનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો.
રાષ્ટ્રની મજબૂત એકતાના સંદેશને પ્રસરાવતી આ યુનિટી માર્ચ પદયાત્રામાં ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, જિલ્લા અગ્રણી શ્રી અતુલભાઈ કાનાણી, અન્ય આગેવાનો સહિત પ્રાંત અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.
આ યુનિટી માર્ચ-પદયાત્રાના રૂટ ઉપર પદયાત્રિકોનું જુદા જુદા સામાજિક અગ્રણીશ્રીઓ દ્વારા ઉત્સાહભેર પુષ્પવર્ષા કરીને સ્વાગત- અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ યુનિટી માર્ચ પદયાત્રાના પ્રારંભ પૂર્વે સરદાર વલ્લ્ભભાઈ પટેલની પ્રતિમાને મહાનુભાવોએ પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.
શ્રી સરદાર વલ્લ્ભભાઈ પટેલ આઝાદ ભારતના પ્રથમ ગૃહપ્રધાન હતા. તેમના નેતૃત્વ હેઠળ દેશના વિવિધ રજવાડાઓનું ભારત સંઘ સાથે જોડાણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરીમાં સરદાર વલ્લ્ભભાઈ પટેલના તત્કાલીન સચિવ શ્રી વી.પી.મેનને પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી. આજે ભારત એક અખંડ ભારત છે. સરદાર પટેલની કુનેહ થકી એક ભારતનું નિર્માણ થયું હતું. ભારત દેશના દેશી રજવાડાઓના રાજવીઓએ અનોખી દેશભક્તિનો પરિચય કરાવીને પોતાના રાજને દેશને સમર્પિત કર્યું હતું.
યુનિટી માર્ચ – પદયાત્રા અન્વયે ધારીના વીરપુર ગામે આરોગ્ય કેન્દ્રના નવા અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત માધુપુર ગામે નવા બસસ્ટેશનનું પણ લોકાર્પણ સંપન્ન થયું હતું. સર્વ રોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરીને રાષ્ટ્રીય એકતાના સંદેશને પ્રસરાવ્યો હતો. નાગરિકોએ ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ના નારા લગાવીને વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું.
ધારીના વીરપુર ગામેથી ખીચા ગામ સુધી આયોજિત યુનિટી માર્ચ-પદયાત્રામાં ધારી તાલુકાના પદાધિકારીશ્રીઓ, વિવિધ ગામના સરપંચો, સભ્યશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી ધારી, મામલતદાર ધારી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ધારી, અન્ય અદિકારીશ્રીઓ સહિત વિદ્યાર્થીઓ, નાગરિકો જોડાયા હતા.



















Recent Comments