અમરેલી

રાષ્ટ્રીય એકતાના અનેરા સંદેશ સાથે લાઠી વિધાનસભા મત વિસ્તારમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ : વિદ્યાર્થીઓ, નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયા

દેશના મહાન સપૂત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના પાવન અવસરે રાષ્ટ્રીય એકતાના અનેરા સંદેશ સાથે લાઠી વિધાનસભા મત વિસ્તારમાં યુનિટી માર્ચ – પદયાત્રા યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલે સમગ્ર દેશના ૫૬૨ જેટલા દેશી રજવાડાઓને એક સૂત્રમાં બાંધીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું.

લાઠી સ્થિત કવિ કલાપી સ્કૂલ થી ભુરખીયા ગામ સુધી ૧૧ કિ.મીની યુનિટી માર્ચ દરમિયાન રૂટ મુજબ વિવિધ ગામ ખાતે ગ્રામજનોએ પદયાત્રાનું ઢોલ નગારા સાથે હર્ષભેર સ્વાગત કર્યું હતું. યુનિટી માર્ચ-પદયાત્રામાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય શ્રી જનક તળાવીયા સહિતના મહાનુભાવો સહભાગી બન્યા હતા.

યુનિટી-માર્ચ પદયાત્રા રૂટ પર રામપર, તાજપર મુકામે બાળકો દ્વારા ગરબા અને યોગા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમોએ નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

પદયાત્રા પ્રસ્થાન વેળાએ રંગોળી સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા,  મહેંદી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જય સરદાર, ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નારાની ગૂંજથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતુ અને દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. બાળકોએ સરદાર વલ્લભભાઈ પટેલ, પૂ. મહાત્મા ગાંધીજીની વેશભૂષા ધારણ કરીને ઉપસ્થિત સૌ કોઈ વચ્ચે અનેરું આકર્ષણ જમાવ્યુ હતુ. યુનિટી માર્ચ પદયાત્રાના પ્રારંભ પૂર્વે સરદાર વલ્લ્ભભાઈ પટેલની પ્રતિમાને મહાનુભાવોએ પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.

શ્રી સરદાર વલ્લ્ભભાઈ પટેલ આઝાદ ભારતના પ્રથમ ગૃહપ્રધાન હતા. તેમના નેતૃત્વ હેઠળ દેશના વિવિધ રજવાડાઓનું ભારત સંઘ સાથે જોડાણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરીમાં સરદાર વલ્લ્ભભાઈ પટેલના તત્કાલીન સચિવ શ્રી વી.પી.મેનને પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી. સરદાર પટેલની કુનેહ થકી એક ભારતનું નિર્માણ થયું હતું. ભારત દેશના દેશી રજવાડાઓના રાજવીઓએ અનોખી દેશભક્તિનો પરિચય કરાવીને પોતાના રાજને દેશને સમર્પિત કર્યું હતું. વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરીને રાષ્ટ્રીય એકતાના સંદેશને પ્રસરાવ્યો હતો. નાગરિકોએ ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પનાને સાકાર કરવા માટે બળ પૂરું પાડ્યું હતું.

લાઠી સ્થિત કવિ કલાપી સ્કૂલ થી ભુરખીયા ગામ સુધી (૧૧ કિ.મી) આયોજિત યુનિટી માર્ચ-પદયાત્રામાં લાઠી નગરપાલિકા અને તાલુકાના પદાધિકારીશ્રીઓ, વિવિધ ગામના સરપંચો, સભ્યશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી લાઠી, મામલતદાર લાઠી, તાલુકા વિકાસ અધિકારીશ્રી લાઠી, અન્ય અધિકારીશ્રીઓ સહિત વિદ્યાર્થીઓ, નાગરિકો જોડાયા હતા.

Related Posts