રાષ્ટ્રીય

અમેરિકાએ અબજો ડૉલરની મદદ આપી પરવેઝ મુશર્રફને ‘ખરીદી લીધા હતા’, CIA અધિકારીનો દાવો

અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઇએ (CIA)ના પૂર્વ અધિકારી જૉન કિરીયાકૂએ પાકિસ્તાન, સાઉદી અરબ અને દક્ષિણ એશિયાના રાજકારણ સાથે જોડાયેલા અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. કિરીયાકૂએ દાવો કર્યો છે કે, અમેરિકાએ અરબો ડૉલરની મદદ આપીને પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફને ખરીદી લીધા હતા અને એક સમયે અમેરિકા પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર પણ નિયંત્રણ રાખતું હતું.નોંધનીય છે કે, કિરીયાકૂએ સીઆઇએમાં 15 વર્ષ સુધી કામ કર્યું અને પાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી અભિયાનોની જવાબદારી સંભાળી હતી, તેમણે એએનઆઇ એક મીડિયા પ્લેટફોર્મ સાથે વાત કરતા જણાવ્યું કે, “અમેરિકાને તાનાશાહો સાથે કામ કરવું ગમે છે કારણ કે ત્યાં જનતા કે મીડિયાનું દબાણ હોતું નથી. અમે મુશર્રફને ખરીદી લીધા હતા અને તે અમને પાકિસ્તાનમાં અમારી મરજી મુજબ કામ કરવા દેતો હતો.”કિરીયાકૂના મતે, મુશર્રફ બેવડું વલણ અપનાવી રહ્યા હતા. એક તરફ અમેરિકાને આતંકવાદ વિરુદ્ધ સહયોગનો દેખાવ કરતા હતા, તો બીજી તરફ પાકિસ્તાની સેના અને આતંકી સંગઠનોને ભારત વિરુદ્ધ સક્રિય રાખતા હતા. તેમણે કહ્યું કે, “પાકિસ્તાની સેનાને અલ-કાયદાની પરવા નહોતી, તેમની અસલી ચિંતા ભારત હતી. મુશર્રફ માત્ર દેખાવ ખાતર અમેરિકાનો સાથ આપતા હતા, પરંતુ પડદા પાછળ ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા હતા.”

તેમણે વધુમાં કહ્યું કે, તાજેતરમાં થયેલો સાઉદી-પાકિસ્તાન સંરક્ષણ સમજૂતી આ જૂના સંબંધોનો જ એક ભાગ હોઈ શકે છે. હવે સાઉદી અરબ કદાચ તે જ રોકાણ વસૂલી રહ્યું છે જે તેણે વર્ષો પહેલાં કર્યું હતું.કિરીયાકૂએ અમેરિકાની વિદેશ નીતિ પર પણ આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે અમેરિકા લોકશાહીની વાતો કરે છે, પરંતુ તેની વિદેશ નીતિ સંપૂર્ણપણે સ્વ-હિત પર ટકેલી છે. અમેરિકા અને સાઉદી અરબ વચ્ચેનો સંબંધ સંપૂર્ણપણે તેલ અને હથિયાર પર આધારિત છે. તેમણે એક કિસ્સો ટાંકતા કહ્યું કે, એકવાર સાઉદી ગાર્ડે કટાક્ષમાં કહ્યું હતું, “તમે તો અમારા ભાડૂતી રક્ષક છો… અમે તમને પૈસા આપીને અહીં બોલાવ્યા છે.”તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હવે વિશ્વનું પાવર બેલેન્સ ઝડપથી બદલાઈ રહ્યું છે. અમેરિકા પાસે હવે પોતાનું તેલ હોવાથી તેને સાઉદી અરબની એટલી જરૂર નથી. આથી સાઉદી અરબ હવે ચીન અને ભારત જેવા દેશો સાથે સંબંધો મજબૂત કરી રહ્યું છે. આખી દુનિયાની દિશા બદલાઈ રહી છે.

Related Posts