અમરેલી

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – રાજકોટ, પાનની દુકાનથી શરૂ થયેલી અમરેલીની શીતલ કૂલ પ્રોડક્ટસનો વેપાર વિશ્વના ૧૫થી વધુ દેશોમાં વિસ્તર્યો

આગામી તા. ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર–કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપનાર મહત્વપૂર્ણ મંચ સાબિત થવા જઈ રહી છે. વડાપ્રધાનશ્રી દ્વારા ખુલ્લી મૂકાનાર અને રાજકોટને આંગણે પ્રથમવાર યોજાનારી આ રિજનલ કોન્ફરન્સમાં મલ્ટી નેશનલ કંપનીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિથી સ્થાનિક ઉદ્યોગો માટે વૈશ્વિક તકોના દ્વાર ખુલશે.

આ પરિપ્રેક્ષ્યમાં અમરેલી જિલ્લાની શીતલ કુલ પ્રોડક્ટસની સફર ‘લોકલ ટુ ગ્લોબલ’ વિકાસ મોડલનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. એક નાની પાનની દુકાનથી શરૂ થયેલો આ વ્યવસાય આજે ભારતના ૧૦થી વધુ રાજ્યો અને વિશ્વના ૧૫થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ્સની મજબૂત હાજરી ધરાવે છે.

શીતલ કુલ પ્રોડક્ટસ દ્વારા અમરેલીમાંથી દૂધ અને દૂધજન્ય પ્રોડક્ટ્સ, સ્નેક્સ, રેડી ટુ ઇટ અને રેડી ટુ કુક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરી દેશના વિવિધ રાજ્યોમાં વેચાણ કરવામાં આવે છે. કંપની દ્વારા ૯૦૦થી વધુ પ્રકારની પ્રોડક્ટ્સનું ઉત્પાદન થતું હોવાથી પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે વ્યાપક રોજગારીનું સર્જન થયું છે. સ્થાનિક સ્તરે ૧,૦૦૦થી વધુ લોકોને રોજગારી મળતી હોવું એ અમરેલી જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન છે.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટરશ્રી ભૂપતભાઈ ભૂવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા VGRC જેવા મંચો મારફતે ઉદ્યોગોના ઝડપી વિકાસ અને રોજગારી સર્જનનો હેતુ સફળતાપૂર્વક સાકાર થઈ રહ્યો છે. એક નાની પાન શોપથી લઈ અને BSE અને NSE લીસ્ટેડ કંપની સુધીની સફળતા અમે મેળવી છે.‘લોકલ ટુ ગ્લોબલ’ વિચારધારાને અમે વ્યવહારમાં ઉતારી છે અને આજે અમરેલીમાંથી અમેરિકા, જાપાન, કોંગો સહિત ૧૫થી વધુ દેશોમાં અમારી પ્રોડક્ટ્સ એક્સપોર્ટ થઈ રહી છે. આગામી સમયમાં અમે અમરેલીમાં રેડી ટુ ઇટ પ્રોડક્ટનું નવુ યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છે જેના લીધે ૧૦૦થી વધુ લોકોને રોજગારી મળી રહેશે.

શીતલ કુલ પ્રોડક્ટસમાં મોટા પ્રમાણમાં મહિલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેના થકી સ્થાનિક સ્તરે મહિલા સશક્તિકરણને પણ વેગ મળ્યો છે. રોજગારી, ઉદ્યોગવિકાસ અને નિકાસક્ષમ ઉત્પાદનના માધ્યમથી આ સંસ્થા અમરેલી જિલ્લાની ગૌરવગાથા બની છે.

આ અંગે સ્પાઇસીસ વિભાગના હેડ રવિના સોજિત્રાએ જણાવ્યું હતું કે, શીતલમાં હું આઠ વર્ષથી જોડાયેલી છું. અહીંયા પેકેજિંગથી લઈ અને સુપરવાઇઝર તેમજ હેડ સુધીની જવાબદારી મહિલાઓને આપવામાં આવે છે. મહિલાઓને સારું વેતન પણ મળે છે અને તેમના માટે રોજગારીનું સર્જન થાય છે.

આવી સફળ સ્થાનિક ઉદ્યોગગાથાઓને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનું કાર્ય વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કરે છે, જેનાથી અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છ ક્ષેત્રના વિકાસને નવી દિશા અને નવી ઊંચાઈ મળશે.

Related Posts