અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ તૈયાર થયેલા પશ્વિમ રેલવેના ભાવનગર મંડળમાં સમાવિષ્ટ અમરેલી જિલ્લાના રાજુલા રેલવે સ્ટેશનનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ થયુ હતુ.
આ લોકાર્પણ સમારોહ અંતર્ગત ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અમૃત સ્ટેશન યોજનામાં નવીનીકરણ પામેલા લીંબડી સ્ટેશનના લોકાર્પણ અવસરમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. રાજુલા ખાતે યોજાયેલા સમારોહમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજુલા રેલવે સ્ટેશનનું લોકાર્પણ થયુ હતુ. સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાએ પ્રેરક ઉદ્બોધન કર્યુ, તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા રેલવેના કાયાકલ્પની વિગતો આપી હતી.
પશ્વિમ રેલવે ભાવનગર મંડળની યાદીમાં જણાવ્યા મુજબ, અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ, રાજુલા રેલવે સ્ટેશનને રુ.૧૦.૬૨ કરોડના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવ્યું છે. આ પુનઃવિકાસનો ઉદ્દેશ્ય રેલવેને લગતી માળખાગત સુવિધાઓનું આધુનિકીકરણ, મુસાફરોની સુવિધા વધારવા અને સમાવિષ્ટ સુલભતાને પ્રોત્સાહન આપવાનો છે.
રાજુલા એ ભાવનગર અને અમદાવાદ જેવા મહત્વપૂર્ણ નગરોને જોડે છે, જે સ્થાનિક અર્થતંત્ર અને રોજિંદા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે રાજુલા જંકશનને NSG-6 સ્ટેશન તરીકે વર્ગીકૃત્ત કરવામાં આવ્યું છે, જે દરરોજ સરેરાશ ૩૩૫ મુસાફરો માટે મહત્વનું સ્ટેશન છે.
ખાસ કરીને ડુંગળી, કપાસ અને મગફળી સહિત કૃષિલક્ષી પેદાશો અને ધમધમતા પીપાવાવ બંદર દ્વારા સમર્થિત આ સ્ટેશન વાણિજ્ય અને મુસાફરીને સરળ બનાવતા પરિવહન કેન્દ્ર તરીકે મહત્વપૂર્ણ બની રહ્યું છે.
સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૦૧ ને વિસ્તૃત અને ઉંચું કરવામાં આવ્યું છે, જેનાથી બોર્ડિંગ સરળ બને અને ભીડ ઓછી થાય, ખાસ કરીને વૃદ્ધ મુસાફરો અને સામાન વહન કરતા નાગરિકો માટે નવા કવર શેડ (૧૬x૭ મીટર) ખૂબ જ જરુરી આશ્રય પૂરો પાડશે, જે ગમે તેવા હવામાનમાં રાહ જોવા માટે આરામદાયક વાતાવરણ મળશે.
રાજુલામાં સંપૂર્ણપણે નવી સ્ટેશન ઇમારત બનાવવામાં આવી છે, જેમાં મહિલાઓ અને પુરુષો મુસાફરો માટે એક વિશાળ, વાતાનુકૂલિત પ્રતીક્ષા ખંડ છે, જે વ્યસ્ત મુસાફરીના સમયમાં મુસાફરોના આરામમાં ઉમેરો કરશે. દિવ્યાંગ મુસાફરોની સુલભતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવેલા આધુનિક, આરોગ્યપ્રદ શૌચાલય સુવિધાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે. નવીન ડિઝાઇન કરેલા અગ્રભાગ અને પ્રવેશદ્વાર સ્ટેશનના સૌંદર્યલક્ષી આકર્ષણમાં પણ ઉમેરો થયો છે.
રાજુલા ખાતે યોજાયેલા સમારોહમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, સ્થાનિક આગેવાનશ્રીઓ, મહાનુભાવો, મુસાફરો અને પશ્વિમ રેલવે ભાવનગર મંડળના અધિકારીશ્રીઓ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા, તેમ પશ્વિમ રેલવે ભાવનગર મંડળ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments