અમરેલી

જિલ્લામાં મહિલા વિકાસલક્ષી કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થા અને સામાજિક કાર્યકરોએ તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં અરજી કરવી

ગુજરાત રાજ્યમાં મહિલા વિકાસને માટે કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થા અને સામાજિક કાર્યકરોએ વર્ષ ૨૦૨૫-૨૬ના ‘ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર’ માટે તા. ૩૧ જાન્યુઆરી,૨૦૨૬ સુધીમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી મારફત નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.

શરતો મુજબ (૦૧) ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર ઈચ્છુક સ્વૈચ્છિક સંસ્થા તેમજ સામાજિક કાર્યકર જે ઓછામાં ઓછા છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં મહિલા કલ્યાણ ક્ષેત્રે, મહિલાઓના સામાજિક, આર્થિક સશક્તિકરણને લગતી પ્રવૃત્તિ કરતા હોય તે જ સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક કાર્યકર પુરસ્કાર માટે જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરી શકશે. (૦૨) કોઈપણ સરકારી અથવા તો અર્ધ સરકારી અને ૧૦૦ ટકા સરકારી અનુદાનથી ચાલતી સંસ્થા આ પુરસ્કાર માટે અરજી કરી શકશે નહીં. (૦૩) ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર સ્વૈચ્છિક સંસ્થા અને સામાજિક કાર્યકરને એક જ વખત મળવાપાત્ર છે. (૦૪) પુરસ્કાર માટે પસંદગી, પદ્ધતિ, શરતોમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા રાજ્ય સરકારની રહેશે. ઉપરાંત પુરસ્કાર માટે અંતિમ નિર્ણય રાજ્ય સરકારનો રહેશે.

અરજી કરવા ઈચ્છુકો ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર મેળવવા અંગેનું અરજી પત્રક મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ https://www.wcd.gujarat.gov.in/applicationform  ઉપરથી ડાઉનલોડ કરી  શકશે. તેમજ જે તે જિલ્લા ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી પણ મળી શકશે.

અરજીકર્તાએ શરતો વાંચીને નિયત નમુનામાં અરજી તા. ૩૧.૦૧.૨૦૨૬ સુધીમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અમરેલીને અરજી મળે તે રીતે ફરજીયાત આર.પી.એ.ડી /સ્પીડ પોસ્ટથી મોકલવાની રહેશે જેની નોંધ લેવા અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts