છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો તેમ 2 દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે ત્યારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં નવા નીરની આવક થતાં, તેની સપાટી ફરી એકવાર 131.02 મીટરે પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1.27 મીટરનો વધારો નોંધાયો છે.
ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી નર્મદા ડેમમાં હાલ 1,23,686 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ પાણીની આવકના કારણે ડેમની જળ સપાટી ઝડપથી વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
ડેમમાં વધેલી પાણીની આવકને કારણે RBPH અને CHPHના પાવરહાઉસ ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે. આ પાવરહાઉસ મારફતે વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. હાલમાં, નર્મદા નદીમાં કુલ 55,969 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
ડેમમાં પાણીની જળસપાટીમાં વધારો થતા 31 જુલાઈથી 14 દિવસ માટે નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી વધારાનું પાણી નદીમાં છોડી શકાય. ડેમની સપાટી જાળવી રાખવા અને સિંચાઈ તેમજ અન્ય જરૂરિયાતો માટે પાણીનો સંગ્રહ કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા. ડેમમાં નવા નીરની આવક થવાથી આગામી દિવસોમાં પણ જળ સપાટીમાં વધારો થવાની શક્યતા છે.
Recent Comments