રાષ્ટ્રીય

‘આપણે તેમના જેવા નથી, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને આપ્યો જવાબ’, આર્મી ચીફનું નિવેદન

મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે (1 નવેમ્બર) પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન સિદ્ધાંતો અને ટેક્નિકલ શક્તિથી લડાઈ લડી અને પાકિસ્તાનમાં નાગરિકો કે સૈન્ય ઠેકાણાઓને નિશાન નથી બનાવ્યા. ભારતે પાડોશી દેશમાં માત્ર આતંકવાદી ઠેકાણાઓને જ નષ્ટ કર્યા.’ જણાવી દઈએ કે, આર્મી ચીફ પોતાની સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું કે, ‘અમે તે જગ્યાઓ પર હુમલા કર્યા જ્યાં આતંકવાદી હાજર હતા. અમે નિર્દોષ નાગરિકો કે રક્ષા ઠેકાણાઓને નિશાન નથી બનાવ્યા. અમે ઓપરેશન સિંદૂરમાં પોતાના ટાર્ગેટને હાંસલ કર્યું અને પાકિસ્તાનને એ જવાબ આપ્યો કે અમે તેમના જેવા નથી.પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 6 અને 7 મે દરમિયાન ઓપરેશન સિંદૂર શરુ કર્યું, જેમાં પાકિસ્તાનના કબજાવાળા વિસ્તારોમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. આ હુમલાના કારણે 4 દિવસ સુધી જબરદસ્ત સંઘર્ષ થયો જે 10 મેના રોજ સૈન્ય કાર્યવાહી રોકવાની સહમતિ સાથે પૂર્ણ થયો.’

સેના પ્રમુખે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર સફળ રહ્યું કારણ કે અમે પોતાના સિદ્ધાંતો અને ટેક્નિકલ શક્તિઓથી લડાઈ લડી. અમે એ નક્કી કર્યું કે પાકિસ્તાનમાં કોઈ પણ નિર્દોષ નાગરિકને નુકસાન ન પહોંચે. અમે માત્ર આતંકવાદીઓ અને તેના આકાઓને નિશાન બનાવ્યા. અમે એ પણ ધ્યાન રાખ્યું કે, જ્યારે પાર્થના કે નમાઝ અદા કરાઈ રહી હોય ત્યારે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે.’તેમણે કહ્યું કે, ‘તમામ નાગરિકોને 2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે રાષ્ટ્ર નિર્માણની દિશામાં કામ કરવું જોઈએ.’ 

Related Posts