રાષ્ટ્રીય

‘લાલ કિલ્લાથી કાશ્મીર સુધી અમે હુમલા કરાવ્યા અને કરાવતા રહીશું’ પાકિસ્તાની નેતાની કબૂલાત

ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનમાં આતંકવાદ અને આતંકી અડ્ડાઓ ધમધમતા હોવાનું જગ જાણીતું છે, ત્યારે ભારત થતા હુમલા અને ફેલાતા આતંકવાદ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનો પાકિસ્તાની નેતાએ ખુલાસો કર્યો છે. 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મોટો હુમલો થયો હતો, ત્યારબાદ 10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટ થયો હતો. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીરમાં પણ અવારનવાર ઘૂસણખોરીની અને આતંકી હુમલાઓની ઘટના બનતી રહે છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતમાં થઈ રહેલા હુમલામાં પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોની ભૂમિકા હોવાનો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાષ્ટ્રપતિ અને વરિષ્ઠ નેતા ચૌધરી અનવરુલ હકે દાવો કર્યો છે. વાયરલ વીડિયોમાં અનવરુલ હકે દાવો કર્યો છે કે, ‘પાકિસ્તાને બદલો લેવા માટે અને ભારતને ટાર્ગેટ કરવા માટે લાલ કિલ્લા અને પહલગામમાં આતંકી હુમલો કરાવ્યો હતો. પાકિસ્તાન સ્થિત આતંકી મોડ્યૂલે લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટ કર્યો હતો. આ ઘટનામાં 15 લોકોના મોત થયા હતા. આ હુમલાનો માસ્ટરમાઈન્ડ ઉમર ઉન નબીની ફરીદાબાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે જૈશ-એ-મોહમ્મદના વ્હાઈટ કૉલર નેટવર્ક સાથે જોડાયેલો હતો.22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો હુમલો (Pahalgam Terror Attack 2025) થયો હતો, જેમાં 26 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, ત્યારે હકે આ ઘટનાનો ઉલ્લેખ કરીને દાવો કર્યો છે કે, બલુચિસ્તાનમાં ભારતના કથિત દખલગીરીના બદલામાં પાકિસ્તાન ભારતીય શહેરો પર હુમલા કરી રહ્યું છે. તેણે નફ્ફટાઈની હદ વટાવીને કહ્યું કે, ‘પહલગામમાં થયેલો હુમલો એ પાકિસ્તાનનો વળતો જવાબ હતો. જો બલુચિસ્તાનમાં લોહી વહેવડાવશો તો અમે ભારતને લાલ કિલ્લાથી કાશ્મીરના જંગલો સુધી નુકસાન પહોંચાડીશું.’ઉલ્લેખનીય છે કે, લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટ (Delhi Red Fort Car Blast)માં જૈશ-એ-મોહમ્મદનું મોડ્યૂલ હોવાની વિગતો સામે આવી છે. રિપોર્ટ મુજબ આ મોડ્યૂલ ફરીદાબાદથી ઓપરેટ કરવામાં આવતું હતું. તપાસમાં સામે આવ્યું છે કે, આતંકી ઉમર ઉન નબી અનેક ડૉક્ટરોના સંપર્કમાં હતો. તે પોતાના મેડિકલ ઓળખપત્રોનો ઉપયોગ રસાયણ અને વિસ્ફોટક સામગ્રી ખરીદવા માટે કરતો હતો. ભારતમાં લાંબા સમયથી ચાલી રહેલા આ મોડ્યુલ હેઠળ ભારતમાં આતંકી હુમલાની યોજના બનાવાઈ રહી હતી.

Related Posts