અમરેલી

સાવરકુંડલા નદી બજારમાં આવેલ શાકમાર્કેટની કેવી બદનસીબી

અનેક દસકાઓ વિતી ગયા પરંતુ સાવરકુંડલાની નદી બઝારમાં બેસતી શાકમાર્કેટના નસીબ ન બદલ્યા… એક બિલાડીના બચ્ચા કે ફૂટબૉલ માફક કભી યહાઁ કભી વહાઁ જાયે તો કિસ્મત કે મારે અબ જાયે કહાઁ?? સાવરકુંડલા શહેરના દુર્ભાગ્ય કહો કે શાકમાર્કેટની બદનસીબી છેલ્લા કેટલાય દસકાઓથી કોઈ અવતાર પુરૂષની રાહ જોઈ રહી છે આ શાકમાર્કેટ કે કોઈ આવે અને એનો ઉધ્ધાર કરે.. આમ ગણીએ તો શાકમાર્કેટ એક એવુ સ્થાન છે જ્યાં અમીર ગરીબ કોઈ પણ ભેદભાવ વગર આવે છે. અહીં પક્ષ શું કે વિપક્ષ શું? દરેક કોમના દરેક ધર્મના લોકો એ નાવલીની શાકમાર્કેટની મુલાકાત લેતાં જોવા મળે છે. પરંતુ શાકમાર્કેટની હાલત પર કોઈ એની કાયાકલ્પ માટે કોઈ પણ અવાજ નથી ઉઠાવતું.. કોરોના સમયગાળા દરમિયાન આંખની  હોસ્પિટલ અને વ્યાયામ મંદિરના સંકુલમાં પણ આ શાકમાર્કેટે નિવાસ કરેલ છે. સમયનું ચક્ર જેમ જેમ ફરે છે. તેમ તેમ આ શાકમાર્કેટનું ભવિષ્ય અનિશ્ચિતતા અને અજંપામાં પરિવર્તિત થઈ જાય છે.હાલ તો આ શાકમાર્કેટ શહેરમાંથી પસાર થતાં અમરેલી મહુવા મુખ્ય માર્ગના બંને કિનારે શાકભાજી વિક્રેતા લાચાર બની શાકભાજી વેચતા જોવા મળે છે.અને ઘણી વખત ટ્રાફિક અડચણ માટે બદનામ પણ થઈ છે.!! સાવરકુંડલા શહેર એક હાઈજેનિક શાકમાર્કેટ ઉપલબ્ધ જોવા વર્ષોથી ટળવળે છે. પરંતુ  હજુ પણ સુવ્યવસ્થિત હેલ્થ અને હાઈજેનિક શાક માર્કેટ તેના નસીબમાં ઉપલબ્ધ નથી.

હવે તો શાકમાર્કેટ ખાતે કોઈ સજ્જન પુરૂષ આવે અને તેનો આ આર્તનાદ ખરા હ્રદયથી સાંભળે તો એના ચિત્કારમાં પણ  આ શબ્દો જ સંભાળશે ” મારો એવો ક્યો અપરાધ કે મને દસકાઓથી કોઈ ચોક્કસ સ્થાન વગર રેંઢી મૂકી છે? હે અવતારી પુરુષ જેમ ભગીરથ રાજાએ સ્વર્ગમાંથી ગંગા ઉતારી એનો પૃથ્વી લોક પર અવતરણ કરાવ્યું કંઈક એવું જ કોઈ પાવરફૂલ, સક્ષમ અને ઋજુ  હ્રદય ધરાવતો રાજનેતા જ મારો ઉધ્ધાર કરી શકે.. પરંતુ બેબસ અને લાચાર આ નાવલીમાં કંડારાયેલી આ શાકમાર્કેટનો ઉધ્ધાર કરે એની પ્રતિક્ષા. હા, સમ ખાવા પૂરતી બે શાકમાર્કેટ જે તે સમયે નગરપાલિકા દ્વારા સાવર અને કુંડલા વિભાગમાં બાંધવામાં આવી પરંતુ તેનું લોકેશન કદાચ લોકોને પણ પસંદ નહીં હોય એટલે એ બંને માર્કેટ હવે ખંડેર થવા પડી છે. ત્યાં ચકલું ય નથી ફરકતું!! અને નાવલી શાકમાર્કેટ એક અતૃપ્ત આત્માની માફક એક સારા લોકેશનની તલાશમાં આમતેમ ફૂટબૉલ માફક ભટકી રહી છે.!! 

રીવર ફ્રન્ટના સપનાને સાકાર કરવા માટે પણ આ શાકમાર્કેટ માટે યોગ્ય સ્થળાંતર ખૂબ આવશ્યક છે. પરંતુ તેનો ભાગ્યોદય ક્યારે થશે એ તો હવે નિષ્ઠુર સમય જ કહેશે.. લોકોના સ્વાસ્થ અને દીર્ઘાયુ માટે એક અદ્યતન સુવિધાસભર શાકમાર્કેટ ખૂબ જરૂરી છે.

Related Posts