રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં વિખવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ તેમના પુત્ર તેજસ્વી અને પુત્રી રોહિણી વચ્ચે વિવાદ થતા બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો, ત્યારે રોહિણીએ ફરી કિડની દાન કરવા મામલે ભાઈ તેજસ્વી પર આકરા પ્રહારો કર્યો છે.રોહિણી આચાર્ય (Rohini Acharya)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના પિતાને કિડની દાન કરવાના મામલે આકરું નિવેદન જાહેર કર્યું છે. તેમણે નામ લીધા વિના ઈશારાઓમાં જ પોતાના ભાઈ તેજસ્વી યાદવ અને તેમના સલાહકાર સંજય યાદવ પર આકરા પ્રહારો કર્યા છે. રોહિણીએ પોસ્ટમાં કહ્યું કે, જે લોકો લાલુ પ્રસાદ યાદવના નામ પર સંવેદના દેખાડે છે, પરંતુ તેમની સંવેદનાઓ કિડની દાન કરવા જેવા નિર્ણય વખતે માત્ર ટીકા કે ટિપ્પણી સુધી જ સીમિત રહે છે.વાસ્તવમાં રોહિણીએ એક પત્રકારને ફોન કરીને પૂછ્યું છે કે, ‘તમે મારા વિશે ટીવી પર શું કહ્યું? હું મારા પિયરમાં કેટલી વખત જાઉ છું અને ત્યાં કેટલા કલાક રોકાવું છું, તેનો કોઈ ડેટા તમારી પાસે છે? જ્યારે કિડની દાન કરવાનો સમય આવ્યો, ત્યારે તેજસ્વી સામે કેમ ન આવ્યા? તેજસ્વીએ લાલુ યાદવને કિડની કેમ ન આપી?’ રોહિણીએ પત્રકારને ધમકાવતા કહ્યું કે, ‘કિડની આપવાની વાત કરવી સહેલી છે, પરંતુ કોઈ આપતું નથી. લોકો લોહી આપવાના નામે ડરી જાય છે, તો તેવા લોકો કિડની ક્યાંથી આપી શકે.’રોહિણીએ એક્સ પોસ્ટમાં લખ્યું છે કે, ‘જે લોકો લાલુજીના નામ પર કંઈક કરવા માગે છે, તેમણે ખોટી લાગણી છોડી દેવી જોઈએ અને તે લાખો-કરોડો ગરીબ દર્દીઓની મદદ કરવી જોઈએ, જેઓ કિડનીની અછતના કારણે અંતિમ શ્વાસ ગણી રહ્યા છે.’જ્યારે રોહિણીએ પિતા લાલુ પ્રસાદ યાદવને કિડની આપવાનો નિર્ણય લીધો હતો, ત્યારે કેટલા લોકોએ તેમના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો હતો. હવે રોહિણીએ ટીકાકારોને પડકાર ફેંકતા કહ્યું કે, ‘જે લોકો પરિણીત પુત્રી દ્વારા કિડની દાન આપવાની બાબતને અયોગ્ય કહી રહ્યા છે, તેઓ હિમ્મત કરીને જાહેર મંચ પર આવીને મારી સાથે ચર્ચા કરે.’તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, ‘કિડની જેવું મહાદાન તેવા લોકોએ શરૂ કરવું જોઈએ, જેઓ પુત્રીની કિડનીને ગંદી કહી રહ્યા હતા.’ યાદવ પરિવારમાં વિવાદ બાદ લાલુ પ્રસાદે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘આ એક આંતરિક પારિવારિક મામલો છે અને પરિવારમાં જ તેનો ઉકેલ લાવવામાં આવશે. હું તેને સંભાળવા માટે હાજર છું.’
‘ભાઈ તેજસ્વીએ લાલુ યાદવને કિડની કેમ ન આપી?’ બહેન રોહિણીના ફરી આકરા પ્રહાર



















Recent Comments